અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને લીલુંછમ બનાવવા માટે શક્ય તેટલો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ‘ અભિયાન અંતર્ગત આગામી ચોમાસાની સીઝનમાં સમગ્ર શહેરમાં આશરે 25 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરાયું છે. આ અભિયાનના આયોજન અંતર્ગત બગીચા ખાતા દ્વારા કોર્પોરેશન હસ્તકના મુખ્ય નર્સરીઓમાં અંદાજે 15 લાખથી વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. જે વૃક્ષારોપણ માટે ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ શહેરનું ગ્રીન કવર 15% સુધી લઈ જવો એ કોર્પોરેશનનો મુખ્ય લક્ષ્યાંક છે. આ કામ આગામી દિવસોમાં કોર્પોરેશન શહેરીજનો સાથે મળીને કરવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ગ્રીન કવર વધારવાના ભાગરૂપે નવતર પ્રયોગ હાથ ધરવા જઈ રહ્યું છે. જેમાં શહેરીજનો પોતાના ઘરે, સોસાયટી, ઓફિસ કે સંસ્થાની જગ્યામાં સહેલાઈથી વૃક્ષારોપણ કરી શકે તે માટે હવે કોર્પોરેશન શહેરીજનોની મદદ કરશે.
આ અભિયાનમાં ભાગ લેવા માંગતા શહેરીજનો તા. 5 જૂન 2023 થી 30 સપ્ટેમ્બર 2023 દરમિયાન ‘AMC – સેવા‘ મોબાઇલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તા. 25 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન તમારા દ્વારે આવી નિશુલ્ક વૃક્ષારોપણ કરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા વર્ષ 2019 થી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત કોર્પોરેશને શહેરને હરિયાળું બનાવવાના પ્રયાસથી અનેક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ‘મિશન મિલિયન ટ્રી‘ અભિયાન અંતર્ગત શહેરમાં થતા વૃક્ષારોપણના આંકડા પર નજર મારીએ તો વર્ષ 2019-20 માં કુલ 11.58 લાખ વૃક્ષો, વર્ષ 2020-21 માં કુલ 10.13 લાખ વૃક્ષો, વર્ષ 2021-22 માં કુલ 12.82 લાખ વૃક્ષો અને વર્ષ 2022-23 માં કુલ 20.75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર શહેરમાં મિયાવાકી તથા ગીચ વૃક્ષારોપણ થકી 104 જેટલા પ્લોટોમાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવ્યા છે.
ગ્રીન કવર માટેના વિશેષ પ્રયાસો અંગે વાત કરતા અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર કહે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત શહેરના ગ્રીન કવર વિસ્તારને વધારવા અને શહેરને હરિયાળું બનાવવા સતત પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. કોર્પોરેશને ટૂંકા ગાળામાં ઇકો પાર્ક, ઓક્સિજન પાર્ક જેવા પાર્ક વિકસાવ્યા છે. વધુમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલું એવું તંત્ર છે જ્યાં મિયાવાકી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.