અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ખર્ચ ઘટાડવા માટે હવે ગ્રીન એનર્જીનો ઉપયોગ, મહિને 21 લાખની બચત થશે
અમદાવાદઃ શહેરમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન શરૂ કરાયા બાદ સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. પરંતુ મેટ્રો ટ્રેન ઓપરેટિંગનો તોતિંગ ખર્ચ પ્રવાસી ભાડામાંથી કાઢવો મુશ્કેલ છે, આથી ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તમામ મેટ્રો સ્ટેશનોને ગ્રીન સોલાર એનર્જીથી ઓપરેટ કરવાની યોજના ઘડી છે. હવે અમદાવાદના તમામ મેટ્રો સ્ટેશન પર ખાલી જગ્યામાં સોલાર પેનલ ગોઠવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રોના પૂર્વ-પશ્ચિમના 13 એલિવેટેડ અને ચાર અન્ડરગ્રાઉન્ડ એમ કુલ 21.13 કિ.મી. અને ઉત્તર-દક્ષિણમાં 18.89 કિ.મી. 15 એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. બન્ને કોરિડોરમાં મેટ્રોટ્રેન શરૂ કરાયા બાદ તેને પ્રવાસીઓનો સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. મુસાફરો માટે ટિકિટ રૂ. પાંચથી 25 રખાઈ છે. બીજી તરફ, અમદાવાદ મેટ્રોનું એક મહિનાનું વીજ બિલ જ રૂ. 1.39 કરોડની આસપાસ આવે છે. હાલ ફક્ત એપરલ પાર્ક ડેપો જ સોલાર એનર્જીથી ઓપરેટ કરાય છે. હવે ગ્યાસપુર ડેપોમાં પણ સોલાર એનર્જી પ્લાન્ટ નાખવાની યોજના છે. આ માટે ટેન્ડર પણ જારી કરી દેવાયું છે. આમ, આ બંને ડેપોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે તો વીજ બિલમાં પાંચ ટકા સુધી રાહત મળી શકે છે. એટલે કે રૂ. 1.39 કરોડના વીજ બિલમાં આશરે રૂ. આઠેક લાખની રાહત મળશે એટલે વાર્ષિક રૂ.84 લાખનો ઘટાડો થશે. જો આગામી સમયમાં સ્ટેશનો પર સોલાર નાખવામાં આવશે તો બિલમાં વધુ 10 થી 15 ટકા સુધીની રાહત થશે. એવું અનુમાન છે. એટલે કે મહિને બિલમાં રૂ.14થી 21 લાખનો ઘટાડો થશે.
જીએમઆરસીના સૂત્રોએ ઉમેર્યું હતું કે,, મેટ્રો સ્ટેશન અને ડેપોમાં વીજળીના ફિક્સ યુનિટ વપરાતા હોવાથી બિલ મહિને 1.39 કરોડ આવે છે એટલે યુનિટના ભાવ ના વધે ત્યાં સુધી વીજ બિલમાં વધારો નહીં થાય, પણ હવે સોલારથી વીજળી જનરેટ કરી બિલમાં ઘટાડો કરવાનો પ્રયાસ છે. જીએમઆરસીએ હવે વીજ બિલમાં ઘટાડો કરવા ગ્યાસપુર અને એપરલ પાર્કમાં કુલ 406 કિલોવોટની ક્ષમતાનો સોલાર પ્લાન્ટ નાખવા ટેન્ડર પણ બહાર પાડ્યું છે. હાલ મેટ્રો પાર્ક થાય છે તે એપરલ પાર્કમાં 200 કિલોવોટ સોલાર પ્લાન્ટ ઉપલબ્ધ છે, જેમાં અન્ય વિભાગોનો પણ સમાવેશ થાય છે.