Site icon Revoi.in

ગાંધીનગરના મેટ્રો રૂટ્સ પર 4.92 હેકટરમાં લીલાછમ વૃક્ષો કપાશે, મેટ્રોએ માગી મંજુરી

Social Share

ગાંધીનગરઃ વિકાસના કાર્યોમાં પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે.  વિકાસના કામોમાં અડચણરૂપ બનતા લીલાછમ વૃક્ષો જેટલા કાપવામાં આવે છે. એટલા વૃક્ષો ઉછેરવામાં આવતા નથી. એક સમયે ગાંધીનગરમાં ચારેબાજુ લીલાછમ આચ્છાદિત એટલા બધા વૃક્ષો હતા કે, જંગલ જેવો અહેસાસ થતો હતો, અમદાવાદથી ગાધીનગરના રોડની બન્ને સાઈટ વૃક્ષોનો મોટો સુહ જોવા મળતો હતો. આજે વિકાસની સાથે વૃક્ષો કપાઈ રહ્યા છે. હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. જેમાં ગાંધીનગર શહેરમાં ચ રોડથી લઈને છ અને રોડ-નંબર-5 થી મહાત્મા મંદિર સુધીનો રૂટ નક્કિ કરવામાં આવ્યો છે. આ રૂટ પર 4.92 હેકટરમાં વૃક્ષો કાપવાની મેટ્રો ઓથોરિટીએ વન વિભાગ પાસે મંજુરી માગી છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટીવિટી વધારવાના હેતુસર મેટ્રોનો શહેરમાં ચ રોડથી લઈને છ અને રોડ-નંબર-5 થી મહાત્મા મંદિર સુધીનો રૂટ નક્કિ કરવામાં આવ્યો છે. આ રૂટ પર હાલના તબક્કે કામગીરી ચાલું છે. તેવામાં વિકાસ માટે ફરી એકવાર વૃક્ષનું બલિદાન લેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વૃક્ષનું નિકંદન કાઢવા માટે તાજેતરમાં જ મેટ્રોના રૂટ પર નડતરરૂપ વૃક્ષો કાપવા મેટ્રો રેલ કંપની દ્વારા વન વિભાગની મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી છે. 4.92 હેક્ટર વિસ્તારમાંથી વૃક્ષ કાપવા માટે મેટ્રો દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મેટ્રોએ જે  વન વિભાગને રૂટ્સનો મેપ આપ્યો છે તે પ્રમાણે વન વિભાગ માર્કિંગ કરીને કપાતા વૃક્ષોની ચોક્કસ સંખ્યા નક્કી કરશે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ 500થી વધુ વૃક્ષો કપાય તેવો અંદાજ છે.મેટ્રો દ્વારા ચ- રોડ પર સેક્ટર-1થી ચ-3, છ-3 અને છ-5 થી ખ-5 થઈને મહાત્મા મંદિર સુધીના રૂટ પર આવતાં વૃક્ષોને કાપવામાં આવશે. કેટલાક કિસ્સામાં જરૂર જણાતાં વૃક્ષને ટ્રીમ પણ કરવામાં આવશે. મેટ્રો દ્વારા કરાયેલી દરખાસ્ત મુજબ આગામી દોઢ મહિનાના સમયમાં તમામ સ્થળ પર વન વિભાગ અને મેટ્રોના અધિકારીઓ હાજર રહીને માર્કિંગની પ્રકિયા પૂર્ણ કરશે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા પણ તેની સામે 10 હેક્ટર જમીનમાં વૃક્ષો વાવી શકાય તેનો નાણાંકિય ખર્ચ મેટ્રો પાસેથી વસૂલીને આગામી દિવસોમાં 10 હેક્ટરના વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરશે. પરંતુ વર્તમાન સમયમાં જે વૃક્ષ કપાતમાં જશે તેની સાપેક્ષે આગામી સમયમાં વાવવામાં આવનારા વૃક્ષને ઉછરતા વર્ષો લાગી જશે.