અમદાવાદ: શિયાળાના આગમનને હવે મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે શહેરના એપીએમસી માર્કેટમાં લીલા શાકભાજીની સારીએવી આવક થઈ રહી છે. જેના લીધે લીલાશાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. જોકે રોજબરોજ આવક વધી રહી હોવાથી નવરાત્રી સુધીમાં શાકભાજીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. જોકે આદુના ભાવમાં કિલોએ 5 રૂપિયાનો વધારો થતા ભાવ 87.5 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા હતા જ્યારે શાકભાજીના ફેરિયા આદુ પ્રતિકિલોના 100થી 125ના ભાવે વેચાણ કરી રહ્યા છે. આમ આદુવાળી ચા પણ હવે મોંઘી પડશે.
અમદાવાદના એપીએમસી માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ શાકભાજી માર્કેટમાં તુવેર, વટાણા, દૂધી, મેથી, ચોળી, ગુવાર, ભીંડા, કોબીજ વગેરેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે આદુ, બટાકા સહિતની શાકભાજીમાં વધારો નોંધાયો હતો. તથા ડુંગળી, ટામેટા, કોથમીર, મગફળી, મરચાં, લીંબુના ભાવમાં કોઈ બદલાવ નોંધાયો નથી. દરેક શાકભાજીના મંગળવારના ભાવ એક ક્વિન્ટલ (100 કિલો) મુજબ જોવા જઈએ તો તુવેર 7000 રૂપિયા, દૂધી 2250 રૂપિયા, મેથી 7250 રૂપિયા, ચોળી 7500 રૂપિયા, ગુવાર 6000 રૂપિયા, ભીંડા 2750 રૂપિયા, કોબીજ 1300 રૂપિયા ભાવ નોંધાયો હતો. જે સોમવારની સરખામણીએ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સોમવારે શાકભાજીના 1 ક્વિન્ટલ (100 કિલો) મુજબ તુવેર 7250 રૂપિયા, દૂધી 2750 રૂપિયા, મેથી 10,000 રૂપિયા, ચોળી 8000 રૂપિયા, ગુવાર 6250 રૂપિયા, ભીંડા 3500 રૂપિયા, કોબીજ 1350 રૂપિયા ભાવ નોંધાયો હતો.
એપીએમસી માર્કેટમાં મંગળવારે આદુના ભાવમાં કિલોએ 5 રૂપિયાનો ઉમેરો થતા ભાવ 87.5 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા હતા. તથા બટાકાનો ભાવ 9.5 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. જ્યારે ડુંગળી 18.5 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા 8 રૂપિયા પ્રતિ કિલો, કોથમીર 75 રૂપિયા પ્રતિ કિલો, મગફળી 41.5 રૂપિયા પ્રતિ કિલો, મરચાં 27.5 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 45 રૂપિયા પ્રતિ કિલોએ સ્થિર રહ્યા હતા.