અમદાવાદઃ રાજ્યમાં માવઠા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના યાર્ડ્સમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદ APMCમાં શાકભાજીની આવકમાં 5000 ક્વિન્ટલની ઘટ થઇ છે. તેના લીધે છેલ્લા બે દિવસથી શાકભાજીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. જેમાં જથ્થાબંધ શાકભાજીના 20 કિલોના ભાવ જોઈએ તો આદુના રૂપિયા 1800થી 1900, રિંગણનો ભાવ 200થી 500, ગવારના ભાવ 700થી 900 અને ટમેટાનો ભાવ રૂપિયા 600થી 1100 સુધી બોલાયા હતા, જ્યારે છુટક શાકભાજીના ભાવ તો અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકને નુકશાન થતાં યાર્ડ્સમાં લીલી શાકભાજીની આવકમાં ભાવમાં વધારો થયો છે, તેના લીધે ભાવમાં વધારો થયો છે. અમદાવાદના જમાલપુર ખાતે આવેલા APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. કમોસમી વરસાદને કારણે શાકભાજીની આવક પર ગંભીર અસર પડી છે. સામાન્ય દિવસ કરતા માવઠા બાદ APMCમાં શાકભાજીની આવકમાં 5000 ક્વિન્ટલની ઘટ પડી છે. આ ઉપરાંત શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે દરેક શાકભાજીના ભાવમાં બમણો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. માવઠા પહેલા આદુનો ભાવ એક મણ દીઠ 940થી 1040 ભાવ હતો જે વધીને 1800થી 1900 રૂપિયા નોંધાયો છે. રીંગણનો ભાવ એક મણ દીઠ 60થી 160 હતો જે વધીને 200થી 500 સુધી થઇ ગયો છે. કોબીજનો ભાવ એક મણ દીઠ 80થી 200 હતો જે વધીને 140થી 440 સુધી થઇ ગયો છે. ગવારનો ભાવ એક મણ દીઠ 400થી 900 હતો જે વધીને 700થી 1500 સુધી થઇ ગયો છે. ટામેટાનો ભાવ એક મણ દીઠ 100થી 260 હતો જે વધીને 600થી 1100 સુધી થઇ ગયો છે. અન્ય શાકભાજીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે.
એપીએમસીના સૂત્રોના કહેવા મુજબ સામાન્યરીતે શિયાળાના પ્રારંભથી લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે. પણ આ વખતે માવઠાને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જેમાં છૂટક શાકભાજીના ભાવમાં જથ્થાબંધ કરતા ડબલ ભાવ જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ આસમાને જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તાં મળતાં હોય છે. ત્યારે માવઠાની અસરને પગલે શિયાળાની ઋતુમાં પણ શાકભાજીના બમણા ભાવ આપવા સામાન્ય નાગરિકો મજબૂર બન્યા છે. જેથી ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે.