ગુજરાતના સ્થાપના દિને CMનો શુભેચ્છા સંદેશ, જનતા જનાર્દનનો ભરોસો એળે જવા નહીં દઈએ
ગાંધીનગરઃ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની પ્રજાને વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જનતા જનાર્દને અમારા પર મુકેલો ભરોસો-વિશ્વાસ એળે જવા દઇશું નહીં અને જે વચનો આપ્યા છે તે પાળી બતાવીશું, ગુજરાતનું માન સન્માન વધારીશું. અમૃતકાળના પ્રથમ સ્થાપના દિવસની ગુજરાતની પ્રજાને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલ મોડેલ રાજ તરીકે વિકાસ કેવો હોય, વિકાસની રાજનીતિ શું હોય એ દેશ અને દુનિયાને ગુજરાતે દેખાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કંડારેલા વિકાસના રાજમાર્ગને વધુ ઉન્નત બનાવવા કોઇ કચાશન રાખીશુ નહીં,
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 1લી મેએ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું હતું કે, આ સરકારે પ્રથમ 100 દિવસના શાસન સમયકાળમાં જ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ અન્વયે 80 હજાર કરોડના એમઓયુ કર્યા હતા. આત્મ નિર્ભર ભારતના વડાપ્રધાનના નિર્ધારમાં આત્મનિર્ભર ગુજરાત માટે વિકાસના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહેવાનો ગુજરાત ગૌરવ દિવસનો આપણા સૌનો સંકલ્પ છે. દેશમાં કુલ જીડીપીમાં ગુજરાતનો ભાગ 8.36 ટકા છે તેને આવનારા વર્ષમાં 10 ટકાથી વધુ કરવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઉદ્યોગ, વેપાર સાથે ટૂરિઝમ સેક્ટર પણ ગુજરાત માટે વિશેષ મહત્વ ધરાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સફેદ રણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, ગીર ફોરેસ્ટ, સોમનાથ, દ્વારકા અને શિવરાજપુર જેવા આઇકોનિક ટૂરિસ્ટ પ્લેસ વિકસાવવા 8 હજાર કરોડ રૂપિયા પ્રવાસન વિકાસ માટે આગામી 5 વર્ષમાં ખર્ચ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઇઝ ઓફ લીવિંગ હોય કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ગુજરાતને ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે વિકાસની ગતિ ઓર તેજ બનાવી છે. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક 3 લાખ કરોડનું બજેટ આ સરકારે આપ્યું છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર દરેક ક્ષેત્રમાં સરકારે ખુબ સારું કામ કર્યું છે.