- BJP નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો
- બ્લાસ્ટમાં 5 લોકો થયા ઘાયલ
- જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં બની ઘટના
- સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
શ્રીનગર :જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં ભાજપ મંડળ પ્રમુખના ઘર પર ગુરુવારે મોડી સાંજે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા હતા. ગ્રેનેડ હુમલાની માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો. આ સાથે અનેક ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ આતંકીઓએ રાજૌરીના ખંડલી વિસ્તારમાં ભાજપના નેતાના ઘરને નિશાન બનાવ્યું હતું. જમ્મુના એડીજીપીએ ગ્રેનેડ હુમલાની પુષ્ટિ કરી છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
15 ઓગસ્ટ પહેલા આતંકવાદીઓ અશાંતિ ફેલાવવામાં સતત રોકાયેલા છે. માત્ર બે દિવસ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓએ મંગળવારે સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા હતા.
હરિ સિંહ હાઇ સ્ટ્રીટ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે CRPF ના બંકરને નિશાન બનાવીને આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે, ગ્રેનેડ લક્ષ્ય ચૂકી ગયો અને રસ્તા પર વિસ્ફોટ થયો. ખુલ્લામાં ગ્રેનેડ ફૂટવાના કારણે રસ્તા પર ચાલતા 9 લોકો ઘાયલ થયા હતા. પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે એકની હાલત નાજુક હોવાનું કહેવાયુ હતું. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમાં બે મહિલાઓ પણ સામેલ છે.
હરિસિંહ શેરી લાલ ચોક વિસ્તારમાં આવે છે. આતંકીઓનું નિશાન સુરક્ષા દળોની ગાડીઓ હતી. તેમનો ઈરાદો હતો કે ગ્રેનેડ વાહનની અંદર જવું જોઈએ, પરંતુ તે કાર સાથે અથડાઈને રસ્તા પર પડી ગયું. ગ્રેનેડના વિસ્ફોટના કારણે નજીકમાં પાર્ક કરેલા વાહનોની બારીઓ પણ તૂટી ગઈ હતી. હુમલા બાદ આ વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.