- યાર્ડ બહાર મગફળી અને ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી,
- યાર્ડમાં માલનો ભરાવો થતાં બન્ને જણસીની આવક બંધ કરાઈ,
- હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200થી 900 બોલાયા
રાજકોટ: ગુજરાતના તમામ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી અને મગફળીની ધૂમ આવક થઈ છે. યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. યાર્ડમાં મગફળી અને ડુંગળીનો ભરાવો થતાં હાલ હન્નેની હરાજી બંધ કરવામાં આવી છે. અને ખેડુતોને પણ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળી અને ડુંગળીનો જથ્થો ન લાવવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન યાર્ડમાં મગફળી અને ડુંગળીના જથ્થાનો નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે ત્યારે મંગળવારે યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસીની ધૂમ આવક થઈ હતી જેમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થઈ હતી. યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી રૂ. 900 સુધીના બોલાયા હતા. અને મગફળીના 20 કિલોના ભાવ રૂ.800 થી રૂ.1200 સુધીનો ખેડૂતોને મળ્યો હતો. આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડ વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવકથી આગવું સ્થાન ધરાવે છે. અને ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલ જોવા મળતી હોય છે. વિવિધ જણસીની હરાજીમાં ખેડૂતોને પોતાની મેહનતથી પકવેલ પાકનો પૂરતો ભાવ મળી રહે છે, તેને લઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહીં આવી પહોંચે છે.