Site icon Revoi.in

માવઠાની આગાહીને લીધે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, મરચાની આવક 3 દિવસ બંધ રહેશે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે શનિવારથી સોમવાર સુધી એટલે કે તા. 25મીથી 27મી નવેમ્બર દરમિયાન માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચા, મગફળીની આવક શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીને લીધે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક પાકની આવક ચાલુ રહેશે પણ ખેડુતોને તાડપત્રી સાથે લાવવા સુચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજથી એટલે કે,  તા. 25થી 27 નવેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન માવઠું પડવાની સંભાવના છે. જેને લઈને રાજકોટનાં માર્કેટિંગ યાર્ડનું તંત્ર સતર્ક બન્યું છે. અને આજથી ત્રણ દિવસ મરચા-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જુના માર્કેટિંગ યાર્ડમાં શનિ-રવિ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. તેમજ કપાસ રાખવા માટે પૂરતી વ્યવસ્થા હોવાથી તેની આવક ચાલુ રાખવામાં આવી છે. સાવચેતીનાં ભાગરૂપે ખેડૂતોને તાલપત્રી સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. જોકે, આ દિવસો દરમિયાન વાતાવરણ સારું રહેશે તો આવક શરૂ કરી દેવામાં આવશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાનાં કહ્યું હતું કે,  આગામી તારીખ 25થી 27 વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી છે. જેને લઈને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને જણસીને નુકસાન થાય નહીં તેના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી ચૂકી છે. જે અંતર્ગત આગામી 3 દિવસ સુધી મરચા અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જો વરસાદી વાતાવરણ નહિ હોય તો મગફળી અને મરચા લાવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવશે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કપાસ રાખવા માટે શેડની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી કપાસની આવક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. જ્યારે જૂના માર્કેટીંગ યાર્ડમાં હાલ આવક થયેલી ડુંગળી શેડમાં રાખવામાં આવી રહી છે. જેને લઈને શેડ મહદઅંશે ભરેલા હોવાથી ડુંગળીની આવક શનિ-રવી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં જ દિવાળીનાં તહેવારમાં યાર્ડમાં લાંબી રજાઓ રાખવામાં આવી હોય આ દિવસોમાં યાર્ડ બંધ રાખવાને બદલે આવકો ઘટાડવામાં આવશે. જોકે, હવામાનની પરિસ્થિતિ મુજબ વરસાદી વાતાવરણ નહિ હોય તો મરચા અને મગફળી આવક પણ શરૂ કરી દેવામાં આવશે. માર્કેટિંગ યાર્ડ દ્વારા સાવચેતીના ભાગરૂપે ખેડૂતોને પોતાની જણસી સાથે તાલપત્રી લાવવા માટેની સૂચના આપવામાં આવી છે.