ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે જ વરસાદ પડતા ખેડુતો ચિતિત બન્યા છે. ગાંધીનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અને આસોમાં અષાઢી માહોલ સર્જાયો છે. દહેગામ તાલુકામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા હતા. ગાંધીનગર શહેરમાં પણ છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે દહેગામમાં ગુરૂવારે સાંજના સમયે વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
દેહગામ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગુરૂવારે સાંજના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ પડતા ખેડુતો ચિંતિત બન્યા હતા. ભારે વરસાદને પગલે મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થયું હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. હાલ ખરીફ પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે. દહેગામ તાલુકામાં કેટલાક વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં થયેલું છે. વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તેથી ખેડુતો ખેતરમાં જઈ શકે તેમ નથી. જો કે એકાદ-બે દિવમાં ઉધાડ નિકળે તો ખેડુતો શાકભાજીનો ફાલ ઉતારવા માટે ખેતરોમાં જઈ શકશે.
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 95.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દહેગામ તાલુકામાં 844 એમએમ સાથે 106.88 ટકા વરસાદ, ગાંધીનગર તાલુકામાં 551 એમએમ સાથે 77.46 ટકા વરસાદ, કલોલ તાલુકામાં 830 એમએમ સાથે 105.84 એમએમ વરસાદ, માણસા તાલુકામાં 677 એમએમ વરસાદ સાથે 85.48 ટકા વરસાદ પડ્યો હતો. ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ અને પવન વચ્ચે પણ તાપમાનમાં કોઈ ખાસ ફેર પડ્યો ન હતો. ગાંધીનગરમાં દિવસે મહત્તમ તાપમાન 33 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 24.5 ડીગ્રી નોંધાયું હતું.