રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી કપાસ, ઘઉં અને સોયાબીનની ધૂમ આવક, સારા ભાવથી ખેડૂતોને રાહત
રાજકોટ: સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને અનુકૂળ હવામાનને લીધે આ વખતે ખરીફ પાકનું વિપલ ઉત્પાદન થયું છે. અને ખેડુતો ખરીફ પાક વેચવા માટે માર્કેટયાર્ડ્સમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ અને સોયાબીનથી ધૂમ આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં શુક્રવારે 6,700 ક્વિન્ટલથી વધુ સોયાબીનની આવક થઈ હતી. આ સાથે જ કપાસ અને ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી.
રાજકોટ માર્કેટ યાર્ડમાં સોયાબીનની જંગી આવક થઈ હતી. યાર્ડમાં 6 ,700 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. સોયાબીનનો ભાવ 800 રૂપિયાથી લઈને 925 રૂપિયા બોલાયો હતો.જ્યારે કપાસની આવક પણ મોટી માત્રામાં થઈ હતી. કપાસની આવક 4 હજાર 200 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસનો ભાવ 1,200 રૂપિયાથી લઈને 1,497 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત યાર્ડમાં જીણી અને જાડી મગફળીની કુલ 3,600 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં જાડી મગફળીની આવક 1,500 ક્વિન્ટલ અને તેના ભાવ 1,250થી 1,370 રૂપિયા અને જીણી મગફળીની આવક 2,100 ક્વિન્ટલ થઈ હતી જ્યારે તેનો ભાવ 1,150 રૂપિયાથી 1,379 રૂપિયા મણના બોલાયા હતા. કપાસ અને મગફળીની સાથે સાથે માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી. 2,350 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક માર્કેટ યાર્ડમાં થઈ હતી જ્યારે ટુકડા ઘઉંના ભાવ 485થી 532 રૂપિયા બોલાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ સબ માર્કેટ યાર્ડમાં બટાકાની 2,160 ક્વિન્ટલ, ડુંગળીની 1,525 ક્વિન્ટલ અને ટામેટાની 1,335 ક્વિન્ટલ આવક થઈ હતી. બટાકાના ભાવ 151થી 331, ડુંગળીના ભાવ 280થી 610 અને ટામેટાના ભાવ 100થી 200 રૂપિયા બોલાયા હતા.