Site icon Revoi.in

ગુજરાતમાં 15 જુલાઈ સુધીમાં મગફળીનું 17.23 લાખ હેકટરમાં વાવેતર, કપાસના વાવેતરમાં ઘટાડો

Social Share

રાજકોટ :  ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતોએ છેલ્લા એક પખવાડિયાથી વાવાણીનું કાર્ય શરૂ કર્યુ છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું વધુ વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે તા. 15 જૂલાઈ સુધીમાં સત્તાવાર અહેવાલ મુજબ કુલ 54.30,956 હેક્ટરમાં એટલે કે નોર્મલ સરેરાશના 63.45 ટકા વાવણી પૂર્ણ થઈ છે. અને આશરે 40 ટકા વાવણી  હજુ બાકી છે, મગફળીનું વાવેતર ગત વર્ષે 15મી જુલાઈ સુધીમાં  15.84 લાખ હેક્ટર હતું તે આ વર્ષે 1.38 લાખ વધીને 17,22,756 હેક્ટરમાં થયું છે.

ગુજરાતમાં ગત વર્ષે કપાસના ભાવમાં ઘટાડો થતાં અને મગફળીના ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોય રાજ્યના ખેડૂતો આ વર્ષે મગફળીના વાવેતર તરફ વળ્યા છે. ગત નાણાકીય વર્ષ 2023- 24ના વર્ષમાં રાજ્યમાં 46.42 લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું અને આ વર્ષે હજુ સીઝન તો બાકી છે ત્યાં એક માસમાં મગફળીનું વાવેતર ગત વર્ષના કૂલ 16.94 લાખથી વધીને 17.23 લાખે પહોંચી ગયું છે. મગફળી મુખ્યત્વે ચોમાસામાં અને ત્યારબાદ ઉનાળામાં પણ વવાતી હોય છે. ગત વર્ષ ઈ.2023-24માં ગુજરાતમાં 46.42 લાખ ટનનું મબલખ ઉત્પાદન નોંધાયું હતું.

રાજ્યમાં કૃષિ માટે  ખરીફ ઋતુ એ મુખ્ય સિઝન છે જેમાં કૂલ આશરે 86 લાખ હેક્ટર જમીનને ખેડીને વિવિધ 20 જેટલા પાકોના બીજ રોપાતા હોય છે અને વરસાદ સારો થાય તો બમ્પર પાક થતો રહ્યો છે. આ વર્ષે તા. 15 જૂલાઈ સુધીમાં સત્તાવાર અહેવાલ મુજબ કુલ 54.30,956 હેક્ટરમાં એટલે કે નોર્મલ સરેરાશના 63.45 ટકા વાવણી થઈ છે અને આશરે 40 ટકા વાવણી હજુ બાકી છે ત્યાં જ મગફળીનું વાવેતર ગત વર્ષે આજની તારીખે 15.84 લાખ હેક્ટર હતું તે આ વર્ષે 1.38 લાખ વધીને 17,22,756 હેક્ટરમાં થયું છે.

ખેડુતોના કહેવા મુજબ  કપાસના ભાવ એક વર્ષ પહેલા આસમાને પહોંચ્યા હતા. તેથી .2023- 24 દરમિયાન 26.83 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું અને 99.91 લાખ ગાંસડીનું બમ્પર ઉત્પાદન થયું હતું. પરંતુ, આ વર્ષે કપાસની તેજીનો પરપોટો ફૂટયો હતો અને ભાવ સામાન્ય પ્રતિ મણ રૂ 1500થી 1600 વચ્ચે જળવાયા હતા. આ સ્થિતિમાં આ વર્ષે કપાસનું વાવેતર ખેડૂતો બહુ વધારવા માંગતા ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગત વર્ષે આજ સુધીમાં 25.40 લાખ ટન  સામે આ વર્ષે 20.99 લાખ ટન કપાસનું વાવેતર થયું છે. જોકે નોર્મલ વાવેતર કરતા અત્યાર સુધીમાં જ 84 ટકાથી વધુ વાવેતર થઈ ગયું છે.