Site icon Revoi.in

ગીર સોમનાથમાં ચાલુ વર્ષે 1.92 મેટ્રીક ટનથી વધુ મગફળીના ઉત્પાદનનો અંદાજ

Social Share

અમદાવાદઃ ગીર સોમનાથનો મુખ્ય પાક ગણાતો મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે ગીર સોમનાથના કોડીનાર માર્કટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં બંપર વધારો થયો છે. 6 હજાર ગુણીના વેચાણ સામે 10 હજાર ગુણીની આવક થતા યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને 3 તારીખ સુધી મગફળી ન લાવવા અપીલ કરી હતી. યાર્ડમાં ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળતા હોવાને કારણે મગફળીની આવક વધી છે. જિલ્લામાં આ વર્ષે 80 હજાર 700 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જ્યારે 1 લાખ 92 હજાર 454 મેટ્રિક ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થયાનો અંદાજ છે.

દરમિયાન ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 થવાનો અંદાજ પ્રતિષ્ઠિત સંગઠન સૌરાષ્ટ્ર-ઓઈલમીલ્સ એસોસીએશને દર્શાવ્યો હતો. સૌરાષ્ટ્ર ઓઈલમીલ્સ એસોસીએશનની વાર્ષિક સભા તાજેતરમાં કાગવડ ખોડલધામ ખાતે રાખવામાં આવી હતી. બેઠકમાં ખરીફ વર્ષનો મગફળીના પાકનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે 30.92 લાખ ટનનુ ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો જે ગત વર્ષના 29.06 લાખ ટન કરતા 6.41 ટકા વધુ હતો. જો કે, વાવેતર ગત વર્ષ કરતા 74000 હેકટરમાં ઓછુ છતાં સારા-સંતોષકારક વરસાદને કારણે ઉતારો વધુ હોવાથી ઉત્પાદન વધવાનું અનુમાન મુકવામાં આવ્યું છે.

સોમાના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સરકારી રિપોર્ટ મુજબ 16.35 મુજબ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયુ હતું. જે ગત વર્ષે 17.09 લાખ હેકટરમાં હતું. કપાસ, સોયાબીન જેવા અન્ય પાક તરફના ટ્રેન્ડને કારણે વાવેતર વિસ્તાર ઘટયો હતો. જયારે સમગ્ર દેશમાં મગફળીનું વાવેતર 43.91 લાખ હેકટરમાં હતું. જે ગત વર્ષના 45.54 લાખ હેકટર કરતા 1.62 લાખ હેકટર ઓછુ હતું. ગુજરાતમાં પ્રતિ હેકટર મગફળીનો ઉતારો 1891 કિલો રહેવાનું અંદાજાયુ છે. જે ગત વર્ષે 1700 કિલો હતો. સંતોષકારક તથા સમયસર વરસાદ તથા સિંચાઈ સુવિધાને કારણે ઉત્પાદન સારુ છે.