Site icon Revoi.in

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 લાખ ટન થવાની ધારણા, સોમા’એ વ્યક્ત કર્યો અંદાજ

Social Share

રાજકોટઃ આ વર્ષે સારા ચોમાસા અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)એ  ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 થવાનો અંદાજ દર્શાવ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશનની વાર્ષિક સભા કાગવડ ખોડલધામ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખરીફ વર્ષનો મગફળીના પાકનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં 30.92 લાખ ટનનુ ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો જે ગત વર્ષના 29.06 લાખ ટન કરતા 6.41 ટકા વધુ હતો. જો કે, વાવેતર ગત વર્ષ કરતા 74000 હેકટરમાં ઓછુ છતાં સારા-સંતોષકારક વરસાદને કારણે ઉતારો વધુ હોવાથી ઉત્પાદન વધવાનું અનુમાન મુકવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશનના પુર્વ પ્રમુખ ઉકાભાઈ પટેલ, વર્તમાન પ્રમુખ કિશોર વિરડીયા, મનુભાઈ પટેલિયા સહિતના કમીટી મેમ્બરો દ્વારા વિસ્તૃત સર્વે કરીને પાકનો આ અંદાજ મુકાયો છે. સોમાના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સરકારી રિપોર્ટ મુજબ 16.35 મુજબ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયુ હતું. જે ગત વર્ષે 17.09 લાખ હેકટરમાં હતું. કપાસ, સોયાબીન જેવા અન્ય પાક તરફના ટ્રેન્ડને કારણે વાવેતર વિસ્તાર ઘટયો હતો. જયારે સમગ્ર દેશમાં મગફળીનું વાવેતર 43.91 લાખ હેકટરમાં હતું. જે ગત વર્ષના 45.54 લાખ હેકટર કરતા 1.62 લાખ હેકટર ઓછુ હતું. ગુજરાતમાં પ્રતિ હેકટર મગફળીનો ઉતારો 1891 કિલો રહેવાનું અંદાજાયુ છે. જે ગત વર્ષે 1700 કિલો હતો. સંતોષકારક તથા સમયસર વરસાદ તથા સિંચાઈ સુવિધાને કારણે ઉત્પાદન સારુ છે.

ગુજરાતમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવાથી હાલ  સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. અને વર્ષ દરમિયાન પણ સિંગતેલના ડબ્બનો ભાવ 2700થી 3000 સુધી રહેવાની શક્યતા છે. એટલે લોકોને પણ આ વર્ષે થોડુ સસ્તુ તેલ મળશે.