અંગ્રેજી માધ્યમનો વધતો ક્રેઝ, અમદાવાદમાં ગુજરાતી માધ્યમની વધુ 16 શાળાઓ બંધ થશે
અમદાવાદઃ અંગ્રેજી હવે વૈશ્વિક ભાષા બનતી જાય છે. રાજ્ય સરકારે પહેલા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કર્યો છે, પરંતુ વાલીઓમાં આજે પણ પોતાના બાળકોને ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અંગ્રેજી માધ્યમના વધતા મોહને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં ગુજરાતી માધ્યમની 50 સ્કૂલો બંધ થઇ છે. 2022માં ગુજરાતી માધ્યમની વધુ 16 સ્કૂલના સંચાલકોએ સ્કૂલો બંધ કરવા અરજી કરી છે. ગુજરાતી માધ્યમની સતત બંધ થઇ રહેલી સ્કૂલોને કારણે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવાની સરકારની નીતિ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષાને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે, પરંતુ તેની સામે રાજ્યમાં માતૃભાષાના માધ્યમમાં ચાલી રહેલી સ્કૂલો સતત બંધ થઇ રહી છે. તજજ્ઞોના મતે, સરકાર દ્વારા ગુજરાતી માધ્યમ અને ભાષા પર કોઇ ચોક્કસ પગલા અથવા નીતિ બનાવવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં ગુજરાતી માધ્યમની વધુ સ્કૂલો બંધ થઇ શકે છે. સંચાલકોના મતે, ગુજરાતી માધ્યમ બંધ થવાનું મુખ્ય કારણ સ્કૂલોને વિદ્યાર્થીઓ મળતા નથી, જેથી સ્કૂલોને નિભાવવા માટેનો ખર્ચ સંચાલકોને પરવડતો નથી. આ સ્થિતિમાં સંચાલકો સ્કૂલ બંધ કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લેતા, ઓછી ફી ધરાવતી અને નાની સ્કૂલોને તેની મોટી અસર થઇ છે. કારણ કે સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એડમિશન લેનારા મોટાભાગના બાળકો ગુજરાતી માધ્યમની સ્કૂલોના જ હતા. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસમાં સ્કૂલો બંધ કરવા માટે કરાયેલી અરજીઓમાં સૌથી વધુ અમદાવાદ પૂર્વના સંચાલકોએ સ્કૂલો બંધ કરવા માટે અરજી કરી છે. બંધ કરવા માટે કરેલી અરજીઓ પૈકીની મોટાભાગની સ્કૂલો જૂના સમયની છે.