નવી દિલ્હીઃ દેશમાં વધતી વસ્તી મુદ્દે રાજકારણ તેજ થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, વધતી જતી વસ્તીને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે અને વધતી વસતી સમગ્ર દેશ માટે સમસ્યા છે. તેમના આ નિવેદનને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે એક વર્ગની વધતી વસ્તી ચિંતાનો વિષય છે. દરમિયાન ભાજપના સિનિયર નેતાના ટ્વીટને પગલે રાજકારણ વધુ ગરમાયું છે.
बेतहाशा जनसंख्या विस्फोट किसी मज़हब की नहीं,मुल्क की मुसीबत है,इसे जाति,घर्म से जोड़ना जायज़ नहीं
#populationday2022 — Mukhtar Abbas Naqvi (@naqvimukhtar) July 11, 2022
સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ ભારતમાં વધતી જતી વસ્તી પર નિવેદન કર્યું હતું કે, ભારતની વસ્તી ચીનની વસ્તી કરતા વધુ થવા જઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, નવેમ્બર 2022ના મધ્ય સુધીમાં વિશ્વની વસ્તી આઠ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે. અત્યારે ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આવતા વર્ષે ભારત તેનાથી આગળ નીકળી જશે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ડિવિઝનના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ 2022’ શીર્ષક હેઠળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 15 નવેમ્બર, 2022 સુધીમાં વૈશ્વિક વસ્તી આઠ અબજના આંકડા સુધી પહોંચી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં 130 કરોડ કરતા વધારે વસતી છે અને દેશમાં વધતી વસતીને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ ચીન છે અને તે બાદ ભારતનો નંબર આવે છે.