અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો
અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં 70 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી જીએસ મલિકને અમદાવાદ શહેર પોલીસના કમિશનર બનાવ્યાં હતા. દરમિયાન આજે જીએસ મલિકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરાયું હતું.
શહેર પોલીસ કમિશનર તરીકે બદલી પામેલા જીએસ મલિકે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એડીજી તરીકે ચાર્જ છોડ્યા બાદ આજે તેઓ અમદાવાદ પહોંચ્યાં હતા અને શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જીએસ મલિક પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચતા તેને ગાર્ડ આફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતા પ્રેમવીર સિંહે નવા પોલીસ કમિશનર જીએસ મલિકનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી હતી, 3 મહિનાથી ઈન્ચાર્જથી કામગીરી કરવામાં આવતી હતી. સિટી ક્રાઈમના JCP પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ હતો. તાજેતરમાં રાજ્ય સરકારે 70 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી કરી હતી. જેમાં પ્રેમવીર સિંહનો સમાવેશ થયો હતો. પ્રેમવીર સિંહની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી થઈ હતી.
અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જીએસ મલિક વર્ષ 1994માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં સેવા આપી હતી. જો કે, છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર હતા. અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવાની મોટી જવાબદારી જીએસ મલિક ઉપર રહેશે.