જાન્યુઆરી-2022માં જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડને પાર
- દેશની અર્થતંત્ર માટે સારા સમાચાર
- જીએસટી કલેક્શન 1.38 લાખ કરોડ
- કુલ કલેક્શન 138,394 કરોડ રૂપિયા
દિલ્હી: દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન 139708 કરોડ રૂપિયા એપ્રિલ, 2021માં રહ્યું છે, અને હવે ફરીવાર જાન્યુઆરી-2022માં જીએસટીનું કુલ કલેક્શન 138394 કરોડ રૂપિયા રહ્યું છે. જાણકારી અનુસાર સળંગ ચોથા મહિને જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે.
જાન્યુઆરી 2022માં જીએસટી કલેક્શન જાન્યુઆરી 2021ની સરખામણીમાં 15 ટકા જેટલું વધારે રહ્યું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર જાન્યુઆરી, 2022માં જીએસટીની આવક 138,394કરોડ રૂપિયા રહી છે. જેમાં સીજીએસટીના 24,674 કરોડ રૂપિયા, એસજીએસટીના 32,016 કરોડ રૂપિયા અને આઇજીએસટીના 72,030 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ એટલે કે ડિસેમ્બર, 2020માં કોર સેક્ટરના ઉત્પાદનમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો. પણ ડિસેમ્બર, 2021ના આઠ કોર સેક્ટરના વિકાસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ડિસેમ્બર, 2021માં આઠ કોર સેક્ટરના ઉદ્યોગોનું ઉત્પાદન 3.8 ટકા વધ્યું છે.
એપ્રિલથી ડિસેમ્બર, 2021 દરમિયાન કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી આ આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં 12.6 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કોર સેક્ટરના આ ઉદ્યોગોના ઉત્પાદનમાં 9.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.