નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 50મી બેઠક 11 જુલાઈએ નાણા મંત્રીના નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, ઘોડેસવારી અને કેસિનો પર 28 ટકા ટેક્સને મંજૂરી આપી છે. પહેલા તેના પર 18 ટકા ટેક્સ લાગતો હતો. આ સાથે ખાસ દવાઓ માટે ટેક્સમાં છૂટ પણ આપવામાં આવી છે.જેમાં કેન્સરની દવાઓ પર IGST દૂર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સિનેમા હોલમાં ખાણી-પીણીના બિલ પર GST ઘટાડવાની ભલામણને પણ મંજૂરી આપવામાં આવી છે. હવે આના પર 18 ટકા ને બદ લે 5 ટકા GST લાગશે.
GST કાઉન્સિલની 50મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર કરવેરા, યુટિલિટી વાહનોની વ્યાખ્યા, નોંધણી માટેના નિયમો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), થિયેટરોમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થો જેવા મુદ્દાઓ સહિત ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્સરની સારવારમાં વપરાતા પીણાં અને દવાઓની આયાત પર મુક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કેન્સરની દવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય મૂવી ટિકિટ સાથે જો પોપકોર્ન અને ડ્રિંક્સ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ મળીને વેચાતી હોય તો મૂળ ઉત્પાદન પ્રમાણે ટેક્સ વસૂલવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. થિયેટરોના માલિકો લાંબા સમયથી આની માગ કરી રહ્યા હતા.
કેન્સરની દવા પર ટેક્સ મુક્તિની માંગ પણ કરવામાં આવી હતી. ફિટમેન્ટ કમિટીએ જણાવ્યું હતું કે દવાની કિંમત 26 લાખ છે અને જેના માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવે છે તેને GSTના દાયરાની બહાર રાખવું જોઈએ. મંત્રી સમૂહે આ અંગે સહમતિ દર્શાવી હતી. હાલમાં આ દવા પર 12 ટકા GST વસૂલવામાં આવે છે. સરકારે જૂન 2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી 1.61 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા વાર્ષિક ધોરણે તેમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જૂન 2022માં 1.44 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું. જ્યારે એક મહિના પહેલા મે 2023માં તે 1.57 લાખ કરોડ રૂપિયા હતું.