દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે કોરોના સંક્રમણ સાથે જોડાયેલી રાહત સામગ્રીઓ પર મંત્રી સમૂહની ભલામણ મંજૂરી આપી છે. શનિવારે દિલ્હીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલી અન્ય ચીજો ઉપર પણ કરના દર ઓછા કરવામાં આવ્યાં છે. જો કે, કોરોના રસી ઉપર પાંચ ટકા જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે.
નિર્મલા સીતારણએ બેઠક બાદ જણાવ્યું હતું કે, સરકાર 75 ટકા કોરોના રસીની ખરીદી કરી રહી છે. આ ઉપર જીએસટી પણ આપી રહી છે. પરંતુ હવે સરકારી હોસ્પિટલોના માધ્યમથી સામાન્ય લોકોને મફત આપવામાં આવશે. જેની જનતા ઉપર કોઈ અસર નહીં થાય. જો કે, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓરિસા જેવા રાજ્યો દ્વારા કોરોના રસી ઉપર જીએસટી ખતમ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
- રેમડેસિવર દવા ઉપર જીએસટી દર પાંચ ટકા
જીએસટી કાઉન્સિલએ કોરોના સાથે જોડાયેલી અન્ય સામગ્રિઓ પણ ટેક્સ ઓછો કર્યો છે. જેમાં સૌથી મહત્વની રેમડેસિવર દવા પર પણ જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ઓક્સિમીટર, મેડિકલ ગ્રેડ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર પણ જીએસટી ઘટાડીને 12 ટકાને બદલે 5 ટકા કરવામાં આવ્યો છે.
જીએસટી કાઉન્સિલની 44મી બેઠક કોરોના મહામારીને પગલે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાઈ હતી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, અનુરાગ ઠાકુર અને નાણામંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ અને સિનિયર અધિકારીઓ હાજર રહ્યાં હતા.