Site icon Revoi.in

GST કાઉન્સિલની તા. 2 ઓગસ્ટના રોજ બેઠક યોજાશે

Social Share

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાદવાના નિર્ણયને સરકારની અંદર તેમજ ગેમિંગ ઈન્ડસ્ટ્રી તરફથી ઘણો વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદવા માટે GST કાઉન્સિલની બેઠક 2 ઓગસ્ટ, 2023ના રોજ યોજાવા જઈ રહી છે.

ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા જીએસટી લાદ્યા બાદ આ બેઠકમાં જીએસટી કાઉન્સિલ સમક્ષ જીએસટી કાયદામાં સુધારો અને નિયમોને મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે છે. આ બેઠકમાં એ નક્કી કરવામાં આવશે કે એન્ટ્રી વેલ્યુ પર કે દરેક હિસ્સા પર 28 ટકા GST લાદવો જોઈએ.

11 જુલાઈ, 2023 ના રોજ મળેલી GST કાઉન્સિલની બેઠકમાં, ઑનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST વસૂલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ GST કાયદામાં સુધારા અને નિયમો ઘડવા અંગેનો નિર્ણય વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં લેવામાં આવશે.

ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાદવાના નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, તેમનું મંત્રાલય GST કાઉન્સિલને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહેશે. ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા રોકાણકારો તેને ખૂબ જ ખતરનાક ગણાવી રહ્યા છે. આ રોકાણકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મુદ્દાને લઈને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ રોકાણકારોએ તેમના પત્રમાં લખ્યું છે કે તેઓ ભારતને વિશ્વની ગેમિંગ કેપિટલ બનાવશે તે વિચારીને રોકાણ કર્યું છે. તેનાથી દેશમાં રોજગારીની તકો વધશે, અબજો ડોલરનું વિદેશી રોકાણ આવશે. આના કારણે ભારત ગેમિંગ, એનિમેશન, એઆઈ, વિઝ્યુઅલ ઈફેક્ટના ક્ષેત્રમાં નિકાસકાર બની જશે. પરંતુ 28 ટકા જીએસટીનો નિર્ણય ગેમિંગ સેક્ટર માટે ખૂબ જ પીડાદાયક સાબિત થશે. આના કારણે આ સેક્ટરમાં 2.5 બિલિયન ડોલરનું રોકાણ કરનારા રોકાણકારોને રાઈટ-ઓફ કરવું પડશે.