અમદાવાદ: સ્ટેટ જીએસટી ડિપોર્ટમેન્ટના અન્વેષણ વિભાગે ઉત્તર ગુજરાતની રોલિંગ મિલોમાં તપાસ હાથ ધરી નવ પેઢીમાંથી 392.83 કરોડના બોગસ બિલોથી 70.71 કરોડની ખોટી આઇટીસીની કરચોરી કરી હોવાનું પ્રકાશમાં આવતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં કરચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે જીએસટી વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતની રોલીંગ મિલો સાથે સંકળયેલી નવ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી અધિકારીઓએ સર્ચ દરમિયાન 392.83 કરોડના બોગસ બિલોના આધારે 70.71 કરોડની ખોટી વેલા શાખ ભોગવવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ. જેને લઇને પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી ધરપકડ કરાઈ છે.
આ મામલે આરોપીની ધરપકડ કરી અમદાવાદની એડીશનલ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ધરપકડ કરાયેલા અરવિંદ પટેલ અને જશ્મીન કુમાર પટેલના 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે કૃપેશ કુમાર પટેલના ત્રણ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસ શોધી કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની રોલીંગ મિલો સાથે સંકળાયેલી પેઢીઓએ બોગસ બિલિંગ થકી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જી.એસ.ટી. સામે વેરાશાખ મજરે મેળવી ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા સંખ્યાબંધ બોગસ પેઢીઓ શોધી કાઢવામાં આવી છે અને આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની સ્ટીલ તથા કોપરની 9 રોલીંગ મિલોમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પેઢીઓ દ્વારા સ્ક્રેપની બોગસ ખરીદીઓ દર્શાવી મોટાપાયે ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરી હતી. બોગસ બિલો આધારીત 392.83 કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. 70 71 કરોડની મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ ભોગવી છે.