અમદાવાદમાં બોગસ બિલિંગની શંકાએ કાપડ અને ઓટો સ્પેરપાર્ટ્સના વેપારીઓના ત્યાં GSTના દરોડા
અમદાવાદઃ શહેરમાં બોગસ બિલિંગ દ્વારા જીએસટીની વ્યાપક ચોરી કરાતી હોવાની શંકાને આધારે જીએસટીના અધિકારીઓએ શહેરના ઘીકાટા, મીરઝાપુર અને રિલીફ રોડ પર આવેલી કાપડ, તેમજ ઓટો સ્પેરપાર્ટસ સહિતની 8 પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. બોગસ બિલિંગ માટે બનાવવામાં આવેલી આ પેઢીઓની ઓફિસ તેમજ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં બિલ બુક, સ્ટોક બુક તેમજ હિસાબી ચોપડા કબજે કરવામાં આવ્યા હતા.દરોડાની કાર્યવાહીમાં બોગસ પેઢીઓને શોધવા તેમજ તેની સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીએસટી અધિકારીઓની પ્રાથમિક તપાસમાં કરચોરી માટે આ પેઢીના માલિકો ઓછું વેચાણ બતાવી કરચોરી કરતા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં સ્ટોક ચોપડે બતાવ્યા વગરનો મળી આવ્યો હતો. ઓટો સ્પેરપાર્ટ ઉપર 18 ટકા અને કાપડ ઉપર 12 ટકા જીએસટી લાગતું હોય છે. વેપારીઓ દ્વારા સ્ટોક કે વેચાણને ઓન રેકોર્ડ બતાવ્યા વગર બારોબાર વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં અગાઉ પણ બોગસ પેઢીઓ બનાવી બોગસ બિલિંગના આધારે કરોડો રૂપિયાની ઇનપુટ ટેકસ ક્રેડિટ ચોરીના કેસો અમદાવાદના કાપડ અને ઓટો સ્પેરપાર્ટના વેપારીઓ સામે કરાયા હતા. જેના પગલે જીએસટીના અધિકારીઓ વધુ સચેત થયા છે. હવે જીએસટીના અધિકારીઓએ કાપડ અને ઓટો સ્પેરપાર્ટ માર્કેટમાં કરચોરી કરતા વેપારીઓને પકડવા માટે વિશેષ સ્કવોડ બનાવી છે. જે કાપડના વેપારીઓના ટ્રાન્ઝેક્શન પર વોચ રાખી રહી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન હિસાબી ચોપડા પણ જપ્ત કરાયા છે. ઓટો સ્પેરપાર્ટના વેપારીઓ પાકા બીલ વગરનો માલ ખરીદતા હતા. અને માલના વેચાણમાં ગ્રાહકોને પણ બિલ આપતા નહતા. આમ ટેક્સની ચોરી કરતા હતા. જ્યારે કાપડના વેપારીઓ ઓછું વેચાણ બતાવીને કરચોરી કરતા હતા. જીએસટીના અધિકારીઓ માસ ખરીદી અને વેચાણ અંગે બીલ બુક અને ચોપડાં જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.