દેશમાં ઓક્ટોબર મહિનામાં GSTની આવક 1.72 લાખ કરોડ થઈ, ઓક્ટોબર 2022ની સરખામણીએ વધારે
નવી દિલ્હીઃ તહેવારોની મોસમને કારણે ઓક્ટોબર મહિનામાં અદભૂત GST કલેક્શન જોવા મળ્યું છે. ઓક્ટોબર 2023માં કુલ GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. ઑક્ટોબર 2023 માં GST કલેક્શન 1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ થયા પછીનું બીજું ઉચ્ચતમ સ્તર છે. ગત ઑક્ટોબર 2022ની સરખામણીમાં GST કલેક્શનમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણા મંત્રાલયે ઓક્ટોબર 2023 માટે GST કલેક્શન ડેટા જાહેર કર્યો છે, જે મુજબ ઓક્ટોબરમાં 1,72,003 કરોડ રૂપિયા GST એકત્ર કરવામાં આવ્યા છે. તેમાંથી રૂ. 30,062 કરોડ CGST, રૂ. 38,171 કરોડ SGST, રૂ. 91,315 કરોડ IGST અને રૂ. 12,456 કરોડ સેસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. આગામી નવેમ્બરમાં જીએસટીની આવકમાં નોંધપાત્ર વદારો થવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીની આવકમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં 1.87 લાખ કરોડ, મે 2023માં 1.57 લાખ કરોડ, જુન 2023માં 1.61 લાખ કરોડ, જુલાઈમાં 1.65 લાખ કરોડ, ઓગસ્ટ 2023માં 1.59 લાખ કરોડ, સપ્ટેમ્બર 2023માં 1.62 લાખ કરોડ અને ઓક્ટોબરમાં આ આંકડો વધીને 1.72 લાખ કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો એપ્રિલ 2022માં 1.67 લાખ કરોડ, મેમાં 1.40 લાખ કરોડ, જૂનમાં 1.44 લાખ કરોડ, જુલાઈમાં 1.48 લાખ કરોડ, ઓગસ્ટમાં 1.43 લાખ કરોડ, સપ્ટેમ્બરમાં 1.62 લાખ કરોડ, ઓક્ટોબરમાં 1.51 લાખ કરોડ, નવેમ્બરમાં 1.45 લાખ કરોડ, ડીસેમ્બરમાં 1.49 લાખ કરોડ, જાન્યુઆરી 2023માં 1.57 લાખ કરોડ, ફેબ્રુઆરીમાં 1.49 લાખ અને માર્ચ 2023માં 1.60 લાખ કરોડની આવક થઈ છે.