અમદાવાદઃ કરચોરીને રોકવા માટે જીએસટી વિભાગ બાજ નજર રાખી રહ્યુ છે. જીએસટી ડિપાર્ટમેન્ટે કરચોરી પકડવા તાજેતરમાં જીએસટી ઇ-વે બિલને વાહનના ફાસ્ટેગ સાથે જોડી દીધું છે. જેના કારણે વાહન જુદા જુદા ટોલટેક્સ અને ચેક પોસ્ટ પરથી પસાર થાય ત્યારે તેના પર નજર રાખી શકાય. આ ઉપરાંત વેપારીએ ખરેખર માલ મોકલ્યો છે કે નહીં તેની પણ ચકાસણી થઈ શકે છે.
જીએસટી વિભાગ દેશના 800 ટોલટેક્સ ઉપર પેમેન્ટ ફાસ્ટેગ સિસ્ટમનો ઉપયોગ કરી દરેક વાહનોને સ્કેન કરીને તેનો ડેટા ઇ-વે બિલ સાથે સરખાવે છે. એક અંદાજ પ્રમાણે દરોજના 25 લાખથી વધારે વાહનો જુદા જુદા ટોલટેકસ અને ચેક પોસ્ટ પરથી પસાર થાય છે. જેમાંથી કોમર્શિયલ વાહનોને આરટીઓ વેબસાઇટ પરથી અલગ તારવી તેનો ડેટા જીએસટી ઇ-વે બિલ સિસ્ટમ સાથે દરોજ અપડેટ કરી દેવાય છે. આમ એક મહિનાનો ડેટા જોઇને જીએસટી અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જેમાં ઇ-વે બિલ દર્શાવેલી જગ્યા સિવાયના માલની મુવમેન્ટ એક જ વાહનો વારંવાર મટીરિયલ સપ્લાય કરવા જુદા જુદા ટોલ ટેક્સ ઉપરથી પસાર થાય છે. ઘણા બધા ઇ-વે બિલમાં દર્શાવેલા ટોલટેક્સ પરથી પસાર થયા નથી.
સરકારે આ સિસ્ટમ વધારે મજબૂત કરવા માટે ઇ-વે બિલ, ફાસ્ટેગ અને આરએફઆઇડીના સોફટવેર ઉપર કામ કરી રહ્યાં છે. આમ દેશમાં થતી બોગસ એક્ટિવિટીને ઝડપી પાડવા અને બોગસ બિલ બનાવનારને ઝડપી પાડવા જરૂરી તમામ એડવાન્સ ટેક્નોલોજી ઉપર કામ કરાઈ રહ્યું છે. આથી કરચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.