Site icon Revoi.in

GTUને પણ માતૃ ભાષા પર પ્રેમ જાગ્યો, હવે એન્જિનિયરિંગ કોર્ષ ગુજરાતીમાં પણ ભણાવશે

Social Share

અમદાવાદ :  ગુજરાતીઓને ગુજરાતી માતૃભાષા પર ગૌરવ હોય તે સહજ બાબત છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ માતૃભાષા સપ્તાહમાં ઊજવણી કરી રહી છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  હવે વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતીમાં પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકશે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગનો કોર્ષ હવે ગુજરાતીમાં પણ ભણાવાશે. યુનિ દ્વારા પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગ કોર્ષ ચલાવવાનું આયોજન કરાયુ છે. આગામી સમયમાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ગુજરાતી, પંજાબી અને ઓડિયા ભાષામાં પણ ભણાવવામાં આવશે. આજ સુધી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ માત્ર અંગ્રેજી ભાષામાં જ ભણાવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે દેશ તેમાં પ્રાદેશિક ભાષામાં ભણાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ભણાવવા માટે કોલેજો પણ ઉત્સુક છે. કાઉન્સિલે સમગ્ર ભારતમાં 19 ઈજનેરી કોલેજોમાં 1230 સીટને મંજૂરી આપી છે હાલમાં દેશની 14 ભાષાઓમાં એન્જિનિયરિંગના પુસ્તકોનુ ભાષાંતર કરવામા આવી રહ્યુ છે. ત્યારે આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં પણ પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકાશે અને આ માટે પુસ્તકોને ટ્રાન્સલેટ કરવામા આવી રહ્યા છે. જે ટુંક સમયમાં તૈયાર થઇ જશે. પુસ્તકો ઉપરાંત એઆઇસીટીઇની પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવી રહી છે. અને આ માટે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા પ્રાપ્ત થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , માતૃભાષાનું ગૌરવ દરેક વિદ્યાર્થીઓ અને નાગરિકોને હોવું જ જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ માતૃભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આગામી સમયમાં જીટીયુ ખાતે પણ અનેક ટેક્નિકલ કોર્ષ માતૃભાષામાં શરૂ કરવામાં આવશે. જે માટે GTUએ તૈયારીઓ શરૂ કરી છે. મહત્વનું છે કે હાલ કેટલીક  કોલેજો ગુજરાતીમાં એન્જિનિયરિંગ કોર્ષ ચલાવવા માંગે છે તેની માહિતી મંગાવવામાં આવી રહી છે.  આ તૈયારીઓને જોતા આગામી સત્રથી એન્જિનિયરિંગ ગુજરાતીમાં ભણાવવાનું શરુ થઇ જશે.