GTU દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે કોલેજોના જોડાણો, રિન્યુઅલ, વગેરે માટે કાર્યક્રમ જાહેર કરાયો
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે નવી કોલેજોની મંજૂરી, રીન્યુઅલ મંજૂરી, ફી સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. નવી કોલેજની મંજૂરી માટે કયા પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા તે સહિતની સ્પષ્ટતાં પણ સત્તાધિશો દ્વારા કરી દેવામાં આવી છે. વર્ષ 2024માં જુલાઇ પહેલા નવી કોલેજને મંજૂરી આપી દેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા તાજેતરમાં આગામી વર્ષ 2024-25 માટે નવી ઇજનેરી,ફાર્મસી સહિતની કોલેજોની મંજૂરી માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં જીટીયુ દ્વારા પણ નવી કોલેજોની મંજૂરી, જોડાણ, કોર્સ, નવી કોલેજ સહિતની પ્રક્રિયા અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં નવી કોલેજની મંજૂરી અને વધારાની મંજૂરી આગામી 25મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે. આજ રીતે એફીડેવીટ સહિતના ડોક્યુમેન્ટના હાર્ડ કોપી આગામી 2 ફેબ્રુઆરી સુધીમાં જમા કરાવવાની રહેશે.
આ તમામની ચકાસણી કર્યા બાદ જે તે કોલેજમાં કયા પ્રકારના ક્ષતિઓ રહી છે તેની જાણકારી માટે 7મી ફેબ્રુઆરી જાણકારી આપવામાં આવશે. 15મી ફેબ્રુઆરી સુધીમાં યુનિવર્સિટી દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવશે. આગામી 1લી માર્ચથી લઇને 6 એપ્રિલ સુધી જે તે કોલેજ, સંસ્થા કે કોર્સ માટે શૈક્ષણિક તપાસ એટલે કે ઇન્સ્પેક્શન કરવામાં આવશે. ત્યારબાદ રીવ્યુ કમિટીની બેઠક 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે મળશે. 10મી મે સુધીમાં આખરી સૂનાવણી કરીને મે માસ સુધીમાં નવી ઇજનેરી, એમ ઇ, ફાર્મસી, ડી ફાર્મ, એમ ફાર્મ સહિતની કોલેજોને મંજૂરી આપવા અંગેની કાર્યવાહી કવરામાં આવશે. જૂન માસ સુધીમાં આ તમામ કોલેજો પૈકી જે કોલેજો જોડાણ મેળવવા ઇચ્છતી હોય તેમના માટે કાર્યવાહી કરવામાં આવશે. નવી કોલેજોને કાઉન્સિલ દ્વારા મંજૂરી મળ્યા બાદ યુનિવર્સિટીની ફાઇનલ મંજૂરી 31મી જુલાઇ સુધીમાં આપી દેવામાં આવશે.