અમદાવાદઃ કોરોનાને લીધે હવે યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની ડિપ્લોમા,ડિગ્રી ઈજનેરી પ્રથમ અને બીજા સેમેસ્ટરની ઓનલાઈન રેગ્યુલર અને રેમેડિયલ પરીક્ષાનો ચોથી મેથી પ્રારંભ થશે. આશરે 57,000 વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ,સુરત સહિતના રાજ્યના વિવિધ શહેરોના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. કોરોનાની પરિસ્થિતિમાં તમામ પ્રકારની આવશ્યક તકેદારી સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જીટીયુના અધિકારીએ જણાવ્યું હતું.
જીટીયુની રેગ્યુલર અને રેમેડિયલ પરીક્ષાનો ચોથી મેના દિવસે પ્રારંભ થાય તે પહેલાં જીટીયુની ત્રીજી મેથી પ્રિચેક ટેસ્ટનો પ્રારંભ થશે. એમબીએ, એમસીએ,એમઈ વિદ્યાશાખાની ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. જીટીયુના રજીસ્ટ્રાર કાનજીભાઈ ખેરે જણાવ્યું છે કે, કોરોનાની પરિસ્થિતિમાં તમામ પ્રકારની આવશ્યક તકેદારી સાથે આ પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે.’જીટીયુની એમઈ,એમબીએ, એમસીએની સેમેસ્ટર-1ની પ્રિચેક ટેસ્ટ ત્રીજીમેના રોજ પૂરી થશે. તે પછીથી આજ વિદ્યાશાખાની ફાઈનલ પરીક્ષા 11મી મેથી શરુ થશે. ઓનલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓ મોબાઈલ, ટેબલેટ, લેપટોપની મદદથી આપી શકશે. જીટીયુની પરીક્ષાને લગતા તમામ પ્રકારનો નિયમોનું પાલન કરવા માટે સત્તાવાળાઓએ જણાવ્યું છે.