Site icon Revoi.in

જીટીયુની પરીક્ષા ઓનલાઈન નહીં પણ હવે ઓફલાઈન જ લેવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. પ્રાથમિક,માધ્યમિક શાળાઓ, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન લેવાની માગણી કેટલાક વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. પણ યુનિવર્સિટીના સત્તાધિશોએ જાહેર કરી દીધુ છે. કે, જીટીયુની પરીક્ષાઓ હવે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન જ લેવાશે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની 15 ફેબ્રુઆરીથી પરીક્ષા શરુ થશે. આ પરીક્ષા ઓફલાઈન જ રહેશે. જ્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા પરીક્ષામાં ઓનલાઈનનો વિકલ્પ આપવામાં આવે તથા વિદ્યાર્થીઓને ચોઈસ સેન્ટરનો વિકલ્પ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. છતાં GTU પોતાના ઓફલાઈન પરીક્ષાના વિકલ્પ પર મક્કમ છે. GTUની પરીક્ષા 20 જાન્યુઆરીએ યોજાવવાની હતી. પરંતુ કોરોનાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને હવે પરીક્ષા 15 ફેબ્રુઆરીએ યોજાશે.પરીક્ષામાં ઓફલાઈન સાથે ઓનલાઈન પરીક્ષા આપી શકાય તેવા વિકલ્પની વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી. વિદ્યાર્થીઓના સમર્થનમાં NSUI દ્વારા અનેક વખત આવેદન અને રજૂઆત કરવામાં આવી હતી. NSUI અને વિદ્યાર્થીઓએ ટ્વિટર પર કેમ્પેઈન ચલાવ્યું હતું.

જીટીયુના કુલપતિને વિદ્યાર્થીઓએ અનેક રજૂઆત કરી હતી પણ વિદ્યાર્થીઓના હિત ખાતર પરીક્ષા ઓફલાઈન યોજવાનો જ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બહારગામથી જે વિદ્યાર્થીઓ આવે છે, તેમને પરીક્ષા માટે અમદાવાદ કે અન્ય જગ્યાએ આવીને પરીક્ષા આપવામાં ખર્ચ વધુ થઇ શકે છે. વિદ્યાર્થીઓને બહારગામથી આવીને અહીં PG કે અન્ય જગ્યાએ રહેવું પડે કારણ કે હજુ સુધી હોસ્ટેલ પણ શરુ થઇ નથી. જેથી વિદ્યાર્થીઓ પર આ ખર્ચનો બોજ વધી શકે છે, જેને લઈને પણ NSUI દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી.

NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, GTUને અનેક રજૂઆત અને અરજી મળી હોવા છતાં કુલપતિ નવીન શેઠ પોતાના નિર્ણય પર મક્કમ છે. વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવા અગાઉ સરકારના નિર્ણય પર આધાર રાખ્યો હતો અને હવે જ્યારે સરકારે નિર્ણય કરવા GTUને સત્તા આપી છે. ત્યારે પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.