Site icon Revoi.in

GTUનો સ્થાપના દિન 17મી મેએ ઊજવાશેઃ 113 કોરોના વોરીયર્સને સન્માનીત કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( જીટીયુ ) ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્ય અને દેશમાં ટેક્નિકલ શિક્ષણ બાબતે ગુજરાતનું નામ રોશન કર્યું છે. 14 વર્ષ પહેલાં વાવેલા આ ટેક્નિકલ બીજ આજે દેશ-વિદેશમાં ટેક્નોલોજીકલ ક્ષેત્રે વટવૃક્ષ બનીને પોતાના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. આગામી 17 મે 2021ને સોમવારના રોજ જીટીયુ તેના 14મા સ્થાપના દિવસની ઓનલાઈન ઉજવણી કરશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગેસ્ટ ઑફ ઓનર તરીકે રાજ્યસભાના સાંસદસભ્ય રામભાઈ મોકરીયા ડિજીટલ માધ્યમ થકી હાજર રહેશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જીટીયુના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરીને સહભાગી થયા છે. જીટીયુ આ તમામ કોરોના વોરીયર્સને સન્માનિત કરતાં ગૌરવ અનુભવે છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે . એન. ખેર , ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ આચાર્ય ડૉ. હિતેશ જાની અને ધ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના પ્રિન્સિપલ કાઉન્સેલર એસ. કાર્તિકેયન ડિજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહેશે. “જીટીયુ કોરોના વોરીયર્સની” થીમ પર જીટીયુ 14મો સ્થાપના દિવસ ઉજવશે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોવિડ-19નો સામનો કરી રહ્યું છે, ત્યારે જીટીયુના વિદ્યાર્થીઓ , કર્મચારીઓ અને દરેક વિભાગના ફેકલ્ટીઝ દ્વારા આ પડકારનો સામનો કરવા માટે હંમેશા કાર્યરત રહ્યાં છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા માસ્ક , સેનિટાઈઝર અને 3ડી ફેસશિલ્ડનું નિર્માણ કરીને વિનામૂલ્યે કોરોના વોરીયર્સમાં વિતરણ કરવામાં આવ્યુ હતું. લોકડાઉન સમયે ગૃહ વિભાગ દ્વારા પણ જીટીયુના સ્ટાર્ટઅપ નિર્મિત ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત ICMR માન્યતા પ્રાપ્ત જીટીયુ બાયોટેક લેબમાં 6 ક્લાકના સમયમાં જ કોવિડ ટેસ્ટીંગ કરી શકાય તેવી ક્લાસ-2 શ્રેણીની અદ્યતન લેબ વિકસાવવામાં આવેલ છે.

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ જીટીયુની આ પ્રવૃત્તિને બિરદાવતાં શુભેચ્છા પત્ર પણ પાઠવ્યો હતો. આ ઉપરાંત જીટીયુ ફાર્મસી વિભાગ દ્વારા પણ રેમડેસીવરની ખરાઈ માત્ર 5 મીનીટની સમય મર્યાદામાં કરી આપવામાં આવે છે. અન્ય વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં જીટીયુના કોરોના વોરીયર્સ કાર્યરત હોવાથી 14માં સ્થાપના દિવસની થીમ “જીટીયુ કોરોના વોરીયર્સ” રાખેલ છે. આ દિવસે જુદી-જુદી 3 કેટેગરીમાં 113 કોરોના વોરીયર્સને સન્માનિત કરવામાં આવશે. જેમાં ફ્રંન્ટ લાઈન વોરીયર્સની કેટેગરીમાં 24 , સોશિયલ એન્ડ મેન્ટલ હેલ્થ વોરીયર્સની કેટેગરીમાં 26 અને એકેડમીક વોરીયર્સની કેટેગરીમાં 63 જીટીયુ કોરોના વોરીયર્સને સન્માનીત કરાશે. ડૉ. હિતેશ જાની દ્વારા “કોરોના ક્યાં સુધી” અને એસ. કાર્તિકેયન દ્વારા “હેલ્થ એન્ડ વેલ બિઈંગ ઈન ગ્રીન બિલ્ડિંગ એન્ડ બિલ્ટ એન્વાયરમેન્ટ” વિષય પર વ્યાખ્યાન પણ અપાશે.