ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પરીક્ષા કામગીરી બહિષ્કારના એલાનથી GTUએ પરિપત્ર જારી કર્યો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઇજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોને લઇને આંદોલન કરી રહ્યા છે. છતાં પણ પડતર પ્રશ્નો ન ઉકેલાતા આખરે અધ્યાપકોએ પરીક્ષાની કામગીરીના બહિષ્કારનું એલાન આપતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ પરિપત્ર જારી કરીને પરીક્ષા કામગીરી આવશ્યક હોવાથી ચીમકી ઉચ્ચારી છે. અધ્યાપકો લડત પાછી ખેંચવાના મુડમાં નથી. ત્યારે 1લી ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષા માટે જીટીયુના સત્તાધિશો પણ મુંઝવણમાં હોવાથી યુનિ.ના રજિસ્ટ્રારે આ અંગે ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ જાણ કરી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી કોલેજના અધ્યાપકોએ પરીક્ષાની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અધ્યાપકો જ પરીક્ષાની કામગીરીથી વેગળા રહે તો પરીક્ષા દરમિયાન મુશ્કેલી ઊભી થઈ શકે છે, જેને લઇને યુનિવર્સિટી દ્વારા અધ્યાપકો માટે તાત્કાલિક પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી છે. પરીક્ષાની કામગીરી કરવી તમામ પ્રિન્સિપાલ, HOD તથા અધ્યાપકો માટે જરૂરી છે. કોલેજ અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી એ આવશ્યક સેવા હોવાનો પણ સર્ક્યુલરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા મક્કમ છે. ત્યારે અધ્યાપક મંડળના સભ્યો પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એન ખેરે જણાવ્યું હતું કે અધ્યાપકોની રજૂઆત અંગે અમે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જાણ કરી છે. અધ્યાપકોની માંગણીઓ વ્યાજબી હોય તો તે દિશામાં કાર્યવાહી કરવા વિનંતી કરી છે. અધ્યાપકોએ GTUની પરીક્ષાની કામગીરીથી અળગા ન રહેવું જોઈએ. વિદ્યાર્થીઓની પરીક્ષાને અસર ન પહોંચે તે માટે પરીક્ષા કામગીરી કરવી જોઈએ.