અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે દેશમાં સતત અગ્રેસર રહી છે. ઈનોવેશન , સ્ટાર્ટઅપ કે પછી ડિજીટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત હોય છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટ્રાન્સફોર્મર ફોરમ દ્વારા ડિજીટલ હાયરીંગ વિષય પર ડિજીટલ સમિટનું આયોજન કર્યું હતું. જેમાં તેમના દ્વારા જીટીયુને 2 પ્રતિષ્ઠિત એવોર્ડ આપીને સન્માનિત કરાઈ છે. “બેસ્ટ યુનિવર્સિટી કોર્પોરેટ કોલોબ્રેશન ઑફ ધ ઈયર” અને “મોસ્ટ પ્રોમીસીંગ ફ્યુચર રેડી યુનિવર્સિટી” કેટેગરીમાં જીટીયુની પસંદગી કરવામાં આવી છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુના તમામ કર્મચારીઓને આ સંદર્ભે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની અથાગ મહેનતનું આ પરિણામ છે. જે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયી થશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. જીટીયુ તરફથી આ સમિટમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ટરનેશનલ રિલેશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી ઉપસ્થિત રહ્યા હતાં.
જીટીયુ ખાતે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેશનલાઈઝેશન કલ્ચર , આઈ-ટી બેઝ્ડ તમામ પ્રકારની ડિજીટલાઈઝેશન સિસ્ટમ , સ્ટાર્ટઅપ અને ઈન્ક્યુબેશન સેન્ટર , સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રાન્સફોર્મર ફોરમ દ્વારા “મોસ્ટ પ્રોમીસીંગ ફ્યુચર રેડી યુનિવર્સિટી” કેટેગરીમાં જીટીયુની પસંદગી કરવામાં આવી છે. જ્યારે “બેસ્ટ યુનિવર્સિટી કોર્પોરેટ કોલોબ્રેશન ઑફ ધ ઈયર” કેટેગરીમાં જીટીયુ દ્વારા કરવામાં આવેલા 70 થી વધુ ઈન્ડસ્ટ્રીઝ સાથેના કરાયેલા એમઓયુ , જીટીયુ તરફથી અપાતો સંકુલ એવોર્ડ , જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ, ડિઝાઈન થિકિંગ અને જીટીયુ દ્વારા રચવામાં આવેલી ઈન્ડસ્ટ્રીઝ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટ્રક્શન કમિટી દ્વારા કરાયેલ કાર્યો વગેરેને ધ્યાનામાં રાખીને જીટીયુની પસંદગી કરવામાં આવેલ છે.