Site icon Revoi.in

GTUએ એન્જિનિયરિંગનો ગુજરાતી માધ્યમનો કોર્ષ શરૂ કર્યો પણ વિદ્યાર્થીઓ મળતા નથી

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગના અંગ્રેજી માધ્યમના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ કરાવીને નવા પુસ્તકો તૈયાર કરીને પ્રાયોગિક ધોરણે  મહેસાણાની ઈજનેરી કોલેજમાં એન્જિનિયરિંગનો ગુજરાતી માધ્યમનો કોર્ષ શરૂ કર્યો હતો. પરંતુ ઈજનેરીમાં ગુજરાતી માધ્યમમાં ભણવા માટે વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી. આ વર્ષે માત્ર 6 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ 2022માં એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતી ભાષામાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. મહેસાણા ખાતે આવેલી જીપેરી એન્જિનિયરિંગ કોલેજમાં દરેક શાખાની 34 જેટલી બેઠકો પણ ફાળવવામાં આવી હતી. 2022માં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નહતો. 2023માં માત્ર બે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તે પણ પરત ખેંચી લીધો હતો. આ વર્ષે પણ માત્ર છ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે. એટલે કે ગુજરાતી મિડિયમમાં શરૂ કરેલા એન્જિનિયરિંગ કોર્સને સફળતા મળી નથી.

આ અંગે એડમિશન કમિટીના સૂત્રોના કહેવા મુજબ  વિદ્યાર્થીઓ એવુ માની રહ્યા છે કે, અંગ્રેજી માધ્યમમાં ઈજનેરીમાં ડિગ્રી મેળવવાથી વિદેશમાં નોકરી મેળવવામાં કે કોઈ એમએનસી કે ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી મેળવવામાં પ્રથમ અગ્રતા રહેતી હોય છે.જેથી વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે ઇંગ્લિશ વિષયને પસંદ કરતા હોય છે.

જીટીયુ દ્વારા નવી શિક્ષણ નીતિને આધારે માતૃભાષામાં કોર્ષ શરૂ કરવા જાહેરાત કરી હતી. ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે મહેસાણાની જીપેરી એન્જિનિયરિંગ કોલેજની પસંદગી કરી છે. જ્યાં દરેક બ્રાન્ચમાં 34 જેટલી સીટો ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ અભ્યાસ માટે ફાળવવામાં આવી છે.એટલે કે સિવિલ, મિકેનિકલ,કોમ્પ્યુટર,અને ઇલેક્ટ્રિકલની કુલ 132 જેટલી બેઠકો છે. પરંતુ ત્રણ વર્ષથી ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કરવાનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો છે. એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને માતૃભાષા શિક્ષણમાં રસ નથી.ગુજરાતી માધ્યમની જાહેરાત કરવામાં આવી તે વર્ષે એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નહતો.ગત વર્ષે પણ 2 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો ત્યારબાદ પરત ખેંચી લીધો હતો.ત્યારે આ વર્ષે ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવા વિદ્યાર્થીઓએ ઉદાસીનતા  દર્શાવી છે. આ વખતે ગુજરાતીમાં એન્જીનિયરિંગ માટે માત્ર 6 વિદ્યાર્થીઓએ જ રસ દાખવ્યો છે.