અમદાવાદઃ છત્તિસગઢના રાયગઢ ખાતે યોજાયેલ નેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ – 2021માં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાના સ્ટાર્ટઅપને નેશનલ લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્ટાર્ટઅપકર્તા દ્વારા પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કરેલ છે.
રાયપુર ખાતે આવેલ ઓપી જિન્દાંલ યુનિવર્સિટી દ્વારા આયોજીત નેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ-2021માં વિવિધ સ્ટાર્ટઅપની 4000થી વધુ એપ્લિકેશન આવી હતી. ફાઈનલ રાઉન્ડ માટે 12 ટીમની પસંદગી કરાઈ હતી. જેમાંથી જીટીયુ સ્ટાર્ટઅપ અર્કી મોટર્સને પ્રથમ નંબરે વિજેતા ઘોષિત કરીને રૂ. 35000ની ધનરાશિ એવોર્ડ સ્વરૂપે આપવામાં આવી હતી. આગામી સમયમાં આ સ્ટાર્ટઅપ દ્વારા ઈન્ટરનેશનલ લેવલે “રિલોકેટ ટુ ફિનલેન્ડ” સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
સ્ટાર્ટઅપકર્તા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહીત આ ઈલેક્ટ્રીક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી 15 થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે. ઈલેક્ટ્રીક કન્વર્ઝન બાઈકમાં હવા અને ધ્વનિ પ્રદૂષણ નહિવત્ત માત્રામાં જોવા મળે છે. જે 60 થી 120 કિમી / કલાકની ઝડપ ધરાવે છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે.