અમદાવાદઃ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન, સાળંગપુરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સાળંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ સત્ર યોજાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ ઉપસ્થિતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર કૃષિ નથી; પર્યાવરણની રક્ષા, ગાયમાતાની સેવા અને સંવર્ધન, લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ વેડફાતા નાણાંની બચત છે. દેશમાં પ્રવર્તમાન તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે. પ્રાકૃતિક કૃષિએ ઈશ્વરીય અને લોકોને ખુશી આપવાનું કાર્ય છે. આપણે સૌ સાથે મળીને ગુજરાતને ઝેરમુક્ત પ્રદેશ બનાવવાની દિશામાં સહિયારો પુરુષાર્થ કરીએ.
રાજ્યપાલ આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ વૉર્મિંગ માટે 24% રાસાયણિક ખેતી જવાબદાર છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે, નાના બાળકોથી માંડી યુવાનોને અસાધ્ય રોગો થઈ રહ્યા છે. હવા અને પાણી પ્રદુષિત થયા છે, સમગ્ર વિશ્વના દેશોનું હવામાન ખરાબ થઇ રહ્યું છે. પરંતુ એક વાત સત્ય છે કે, કોઈ પણ કાર્ય કારણ વગર નથી થતું. ખાનપાન રુપે આપણાં શરીરમાં ધીમું ઝેર જઈ રહ્યું છે. આપણે જે ખોરાક લઈએ છીએ તે રોગને આમંત્રિત કરે છે. અત્યારના સમયમાં યુવાનોમાં મેદસ્વિતા વધી રહી છે અને પોષકતત્વો ઘટી રહ્યા છે ત્યારે સર્વ પ્રથમ આપણે આપણી ધરતીમાતાને સુપોષિત કરવી પડશે. હાલ ગુજરાતના નવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા છે. પ્રાકૃતિક ખેતી એ પરમાત્માની શ્રેષ્ઠ ભકિત છે.
પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ તાલીમ સત્રમાં 70 જેટલી સંસ્થાઓના આગેવાનો તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા 200થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ તાલીમ સત્ર અંગેની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ યજ્ઞપુરુષ વાડીની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વિકાસ અને ગુણવત્તાની માહિતી મેળવી હતી. તાલીમ સત્રમાં જ્ઞાનેશ્વર સ્વામીજીએ સૌનો સત્કાર કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડીયા, પ્રાકૃતિક કૃષિ અભિયાનના રાજ્ય સંયોજક પ્રફુલભાઈ સેંજલીયા, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા, ઉપરાંત આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.