અમદાવાદઃ દર્દીઓ તબીબોના ભગવાન માનતા હોય છે. કેટલાક તબીબોની દર્દીઓને લૂંટવાની નીતિરીતિને કારણે આખી તબીબી આલમ બદનામ થતા હોય છે. અને અવાર-નવાર ફરિયાદો પણ ઉઠતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય ચિકિત્સા પંચ દ્વારા તબીબો માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ચિકિત્સાપંચ દ્વારા ડોકટરો માટેની આચારસંહિતામાં કેટલીક નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. જેમાં ડોકટરો પોતાના મેડિકલ સ્ટોર ખોલીને દર્દીઓને મોંઘી બ્રાન્ડેડ દવાઓ વેચી શકે નહીં. તેમજ ધર્મના આધાર પર સારવારનો ઈનકાર કરી શકાય નહીં. નસબંધીના મામલામાં પતિ-પત્નીની અનુમતી લેવાની રહેશે. પ્રિસ્ક્રિપ્શન પર રજિસ્ટ્રેશન નંબર લખવો અનિવાર્ય બનશે. સારવારનો ખર્ચ પહેલાં જ બતાવી દેવો પડશે. આ બધા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે દેશમાં બધા જ ડોકટરો માટે લાગુ કરવામાં આવશે અને તેનો મુસદ્દો તૈયાર થઈ ગયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચિકિત્સાપંચના તાજેતરમાં જ જારી કરવામાં આવેલા આચારસંહિતાના મુસદ્દામાં એમ કહેવામાં આવ્યું છે કે, ડોકટરો દવાની ખુલ્લી દુકાનો ચલાવી શકે નહીં અને એ જ રીતે એ લોકો મેડિકલ ઉપકરણોનું વેચાણ પણ કરી શકે નહીં.ડોકટરોએ પોતાના દર્દીઓની સારવાર દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે દવાના વેચાણમાં દર્દીઓનું શોષણ કરવામાં ન આવે. આઝાદી પહેલાં બનેલા તમામ કાયદાઓમાં ડોકટરોને દર્દીઓને દવાઓ આપવાની અનુમતી એટલે કે વેચવાની છૂટ હતી પરંતુ ત્યારે દવાની દુકાનો ઓછી હતી. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પણ આ વાતને ટેકો આપી રહી છે. ચિકિત્સા પંચ દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે, નવી જોગવાઈ એટલા માટે દાખલ કરવામાં આવી છે કે, ડોકટરો પોતાના ઘરે જઈને પણ દર્દીઓની સારવાર કરતા હોય છે. નાના શહેરોમાં હજુ પણ ડોકટરો દર્દીઓની સારવાર કરે છે અને દવા વેચે છે પરંતુ હવે આ સીસ્ટમ બંધ કરવી પડશે. ડોકટરોનો એક વર્ગ દેશમાં એવો છે જે દવા વેચવાની પ્રક્રિયાનો વિરોધ કરે છે. કારણ કે, ડોકટરો હંમેશા મોંઘી બ્રાન્ડેડ દવાઓ રાખતા હોય છે અને દર્દીઓને તેને ખરીદવા માટે મજબુર કરતા હોય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મેડિકલ સ્ટોર પર જેનેરિક દવાઓ ખરીદવાનો વિકલ્પ પણ હોય છે અને મોટાભાગના દર્દીઓએ તેનો લાભ લેવો જોઈએ. નવી જોગવાઈઓમાં એવો નિયમ પણ દાખલ કરવામાં આવ્યો છે કે, ધર્મના આધાર પર સારવારનો ઈનકાર કરી શકાય નહીં. નસબંધીના મામલામાં પતિ-પત્નીની અનુમતી લેવાની રહેશે. પ્રિસ્ક્રિપ્શન પર રજિસ્ટ્રેશન નંબર લખવા અનિવાર્ય બનશે. સારવારનો ખર્ચ પહેલાં જ બતાવી દેવો પડશે. આ બધા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે દેશમાં બધા જ ડોકટરો માટે લાગુ કરવામાં આવશે અને તેનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે