ગુલિયન બારી સિન્ડ્રોમ – આ બીમારીના લક્ષણ તમારામાં પણ નથી ને? આજે જ જાણો
- શું તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે?
- હાથ-પગ દુખે છે?
- તો આ બીમારી હોઈ શકે છે
રાજ્યમાં ભલે કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા હોય પણ તેનાથી બેદરકાર થવાની જરૂર નથી, અથવા બેદરકારી વર્તાવવાની પણ જરૂર નથી. અમદાવાદમાં હવે એક નવી બીમારી સામે આવી રહી છે તેનું નામ છે ગુલિયન બારી સિન્ડ્રોમ, આ બીમારીના લક્ષણ હાલ તો તમામ લોકોએ જાણવા જરૂરી છે.
તો વાત એવી છે કે આ બીમારીના લક્ષણો જે વ્યક્તિમાં હોય છે તેને સૌથી પહેલા તો ચાલવામાં તકલીફ પડે છે, તે વ્યક્તિને ચાલવાનો ભયંકર કંટાળો આવે છે. આ ઉપરાંત તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, હાથ અને પગમાં કળતર રહે છે, બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે અને, ચાલવામાં અથવા સીડી ચડવામાં મુશ્કેલી પડે છે.
અમદાવાદ શહેર રોગચાળાના ભરડામાંથી બહાર નથી આવી રહ્યું. શહેરમાં હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે ભરડો લીધો છે. રોગચાળાથી સાજા થયેલા દર્દીઓમાં હવે ગુલિયન બારી સિન્ડ્રોમ એટલે કે જીબીએસના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. અગાઉ કોરોનાનો કહેર હતો ત્યારે પણ આવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો. હાલમાં કોરોનાના કેસ ઘણા ઓછા છે પણ અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 45 દિવસમાં જ 35 જેટલા દર્દી ગુલિયન બારી સિન્ડ્રોમના નોંધાયા છે.
આ ઉપરાંત બે દર્દીનાં મોત થયા છે. સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રો પ્રમાણે – ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા રોગમાં સાજા થયેલા દર્દીઓ હવે ગુલિયન બારી સિન્ડ્રોમમાં સપડાઈ રહ્યા છે.