Site icon Revoi.in

ગુજરાતઃ 206માંથી 108 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે ૨૦૬ જળાશયોમાંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૪ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૦ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૨ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૧૨ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૮૬,૩૮૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૨,૫૦૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૭.૨૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૮૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૧.૮૬ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૭૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં ૬૨ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૪૬ હજારની જાવક, વણાકબોરી જળાશયમાં ૨૬ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૬ હજારની જાવક, કડાણામાં ૨૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૦ હજારની જાવક તેમજ ભાદર-૨માં ૧૬ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૬ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. 

આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૮૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૭ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૮૦ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.