ગુજરાતઃ 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન
અમદાવાદઃ ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજ્યમાં તા. 13 મે થી 18 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની જિલ્લા કલેકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સર્વે પૂર્ણ થયો છે અને તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત 16,177 હેક્ટર વિસ્તાર કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે. ગુજરાતના 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. અંદાજે 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એસડીઆરએફના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જેમાં વર્ષાયું બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેકટર સહાય અને ભુવર્ષાયું બાગાયતી પાકોને પ્રતિ હેકટર 22,500 પ્રતિ હેકટર સહાય ચૂકવવામાં આવશે.
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે અંદાજિત 16,177 હેક્ટર વિસ્તારમાં તેમજ કુલ 10,943 ખેડૂતો કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયા હતા. આમ, પ્રાથમિક અંદાજ મુજબ SDRFના અંદાજિત સહાય રકમ 27.50 કરોડ રૂપિયા થાય છે. જો કે, હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે.