અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે.
RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. શૈક્ષણિક વર્ષ 2024-25માં રાજ્યની કુલ 9 હજાર 819 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા-જુદા માધ્યમમાં કુલ 45 હજાર જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં 36 હજાર 820 તથા બીજા રાઉન્ડમાં 2 હજાર 477 એમ બન્ને રાઉન્ડના અંતે એકંદરે કુલ 39 હજાર 297 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નિયત કરાવેલો હતો.
બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 1 લાખ 29 હજાર 80 અરજદારોને ત્રીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક તારીખ 24/05/2024, શુક્રવારથી તારીખ 26/05/2024, રવિવાર દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ 45 હજાર 134 અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી. જ્યારે બાકીના 39 હજાર 73 અરજદારો અગાઉથી દર્શાવેલી શાળાઓ યથાવત રાખી હતી.
RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ તારીખ 28/05/2024, મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1 હજાર 353 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 4 હજાર 556 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ તારીખ 3/06/2024, સોમવાર સુધીમાં જે-તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ મેળવવાનો રહેશે.