ગુજરાતની 53 હજાર ઉપરાંત આંગણવાડીઓના 3 થી 6 વર્ષના 14 લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ જણાવ્યું કે, આંગણવાડીના બાળકો-ભુલકાંઓની હવે રાજ્યવ્યાપી એક વિશેષ ઓળખ અને આભા ઊભી થશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે,, સાધન સંપન્ન વર્ગના બાળકો નર્સરી-પ્લેગૃપમાં જાય ત્યારે તેમને યુનિફોર્મથી આગવી ઇમેજ મળતી હોય છે. આવી જ આભા-ઇમેજ આંગણવાડીઓના બાળકોને પણ એક સમાન યુનિફોર્મથી મળતી થાય તેવી સંવેદના સાથે આ યોજના સરકારે શરૂ કરી છે.
રાજ્યના મહિલા-બાળ કલ્યાણ વિભાગે આ હેતુસર રૂ. 36.28 કરોડની માતબર રકમનો ખર્ચ કરીને 14 લાખ ભુલકાંઓને વિનામૂલ્યે ગણવેશ વિતરણનું આ અભિયાન આદર્યુ છે. આંગણવાડીના 14 લાખ ભુલકાંઓને બે જોડી ગણવેશ અન્વયે 28 લાખ જોડી ગણવેશ વિતરણ રાજ્ય સરકાર વિનામૂલ્યે કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગણવેશ વિતરણના રાજ્યવ્યાપી કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રતિક રૂપે પાંચ ભુલકાંઓને ગણવેશ વિતરણ કર્યુ હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ખાનગી કિંડર ગાર્ડન અને નર્સરીના વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાથી તેમની શોભામાં વધારો થતો હોય ત્યારે સરકારી આંગણવાડીમાં આવતા ભૂલકાંઓને યુનિફોર્મ કેમ ન પહેરે તેવી ઉન્નત ભાવના સાથે રાજ્ય સરકાર દ્વારા ગણવેશ વિતરિત કરવાનું નક્કી કરાયું છે.
રાજ્યના બાળકો, કિશોરીઓ અને સગર્ભા અને ધાત્રી માતાઓને ગુણવત્તાયુક્ત અને વિટામિનયુક્ત બાળશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ ટેક હોમ રાશન પુરું પાડવામાં આવે છે. ૧૬ હજાર મેટ્રીક ટન જથ્થો ૪૦ લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે.