Site icon Revoi.in

ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષમાં 14 લાખ આવાસોનું નિર્માણ કરાયું

Social Share

અમદાવાદઃ દેશના લાખો લોકો છે જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાન સાબિત થઈ છે. આનો શ્રેય આપણાં દૂરંદેશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમણે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી અને તેના દ્વારા છેલ્લા 9 વર્ષોમાં અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે.

ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અસરકારક માર્ગદર્શન હેઠળ આર્થિક રીતે નબળા વર્ગને મકાનની મૂળભૂત સુવિધા મળે અને તેમના જીવનધોરણમાં સુધારો થાય એ માટે 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરુ કરી હતી. તો ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ઘરવિહોણા લોકોને પાકું મકાન મળે એ ઉદ્દેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) 2016-17માં અમલમાં મૂકવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આ યોજનાનો સફળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ 14.25 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 8.68 લાખથી વધુ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં નિર્મિત કુલ મકાનોના 64%થી વધુ મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીના છે. ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, અને તે દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતના નાગરિકોને આવાસોની ભેટ આપવા જઇ રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો હેતુ શહેરી વિસ્તારમાં ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ વ્યાજબી કિંમતે પૂરું પાડવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 9.78 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આમાં 5 લાખ 40 હજારથી વધુ આવાસો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીના નામે મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર આવાસો પૈકી કુલ 8.68 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ (ARHCs) યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાતના રાજકોટની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટમાં સાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને EWS-2 પ્રકારના 39.77 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.