- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે ધ્વજવંદન કરશે
- રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે
અમદાવાદઃ ભારતના સ્વાતંત્ર્ય પર્વ-15મી ઓગસ્ટ-2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. 15 મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નવસારીમાં, ઋષિકેશ પટેલ વડોદરામાં, રાઘવજી પટેલ રાજકોટમાં, બળવંતસિંહ રાજપૂત સુરતમાં, અમદાવાદમાં કુંવરજીભાઈ બાવળીયા, કચ્છમાં મૂળુભાઈ બેરા, છોટાઉદેપુરમાં ડૉ. કુબેરભાઈ ડિંડોર, જૂનાગઢમાં શ્રીમતિ ભાનુબેન બાબરિયા, દાહોદમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવી, બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથમાં પરષોત્તમભાઈ સોલંકી, મહિસાગરમાં બચુભાઈ ખાબડ, ગાંધીનગરમાં મુકેશભાઈ પટેલ, ભાવનગરમાં પ્રફુલભાઈ પાનશેરિયા, પંચમહાલમાં ભીખૂસિંહજી પરમાર, નર્મદામાં કુંવરજીભાઈ હળપતિ ધ્વજ વંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે. 15મી ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે. જેથી આ વર્ષે પણ તા. 15મી ઓગસ્ટના રોજ લોકો પોતાના ઘરના છત ઉપર તિરંગો લહેરાવશે.
(PHOTO-FILE)