અમદાવાદઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 જેટલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા અને ખાસ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યાં હતા. જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જેલમાંથી તાજેતરમાં જ 181 માછીમારો મુક્ત કરાયાં બાદ વધારે 200 માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં હતા. 200 માછીમારો ગુજરાતમાં પરત ફરતા પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે.
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો પૈકી ગીર સોમનાથના 129, દેવભૂમિ દ્વારકાના 31, જૂનાગઢના 2, નવસારીના 5 અને પોરબંદરના 4 માછીમારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિહારના 3, દિવના 15, મહારાષ્ટ્રના 15 અને ઉત્તરપ્રદેશના 6 માછીમારોનો સમાવેશ થાય છે. આ માછીમારોનું વર્ષ 2019થી 2022ના સમયગાળામાં ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપરણ કર્યું હતું અને તેમના કરાંચીની જેલમાં બંધ રાખવામાં આવ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર પાતિસ્તાન તંત્ર દ્વારા પોતાની જેલમાં બંધ 200 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરાયાં હતા. આ માછીમારોને વાઘા બોર્ડર ઉપર ભારતીય જવાનોને સોંપવામાં આવ્યાં હતા. જ્યાંથી આ માછીમારો ટ્રેનમાં વડોદરા આવ્યાં હતા. વડોદરા રેલવે સ્ટેશન ઉપર માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અહીંથી તેમના ઘરે જવા માટે ખાસ લકઝરી બસ દોડાવવામાં આવી હતી. માછીમારોને મુક્ત કરવામાં આવતા તેમના પરિવાજનોમાં ખુશી ફેલાઈ છે. પાકિસ્તાનની જેલમાં હજુ પણ કેટલાક ભારતીય માછીમારો બંધ છે તેમને મુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે. તેમજ પાકિસ્તાન પાસે જપ્ત ભારતીય માછીમારોની બોટ પણ મુક્ત કરાવવાની માગ ઉઠી છે.