Site icon Revoi.in

ગુજરાતઃ 3.42 લાખ નવા મતદારો નોંધાયાં, સૌથી વધારે અમદાવાદમાં મતદારો નોંધાયાં

Social Share

અમદાવાદઃ દેશની લોકશાહી વધુ સશક્ત બને અને મહત્તમ નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નવા મતદાર તરીકે નોંધણી કરાવવા લાયકાત માટે વર્ષમાં વિવિધ ચાર તારીખો જાહેર કરવામાં આવી છે. જે પૈકી આગામી તા.1લી ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતાધિકાર પ્રાપ્ત કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે પ્રિ-રિવિઝન એક્ટીવિટી હેઠળ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ વિઝીટ કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરમાં નવા 3.42 લાખ નવા મતદાર નોંધાયા છે,

તા.2 જાન્યુઆરી 2022થી તા.1લી ઓક્ટોબર, 2022 દરમિયાન 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા 2.39 લાખ યુવાનો મતાધિકાર મેળવી શકશે. તા. 8મી જુલાઈથી તા. 22 જુલાઈ દરમિયાન મતદારયાદી સુધારણા પૂર્વેની પ્રિ-રિવિઝન એક્ટીવિટી હેઠળ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા તેમને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની મુલાકાત લેવામાં આવી હતી. આ હાઉસ ટુ હાઉસ વિઝીટમાં BLO દ્વારા નવા મતદાર તરીકે નોંધણી, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા અને મતદાર ઓળખપત્રમાં નામ-સરનામા સહિતની વિગતો સુધારવા માટે નિયત નમૂનામાં અરજીઓ મેળવવામાં આવી હતી.

બુથ લેવલ ઑફિસર્સની આ રાજ્યવ્યાપી ઝુંબેશમાં ખાસ કરીને તા.1લી જાન્યુઆરી, 2022ની લાયકાતની તારીખે મતદાર તરીકે નોંધાવાને લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તથા તા.1લી ઓક્ટોબર, 2022ના રોજ પૂર્ણ કરનાર નાગરિકો પાસેથી કુલ 3.42 લાખ ફોર્મ નં. 6 ભરાવીને મેળવવામાં આવ્યા હતા. જે પૈકી અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 35882 જ્યારે વિધાનસભા મતદાર વિભાગ મુજબ રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ 5581 નવા મતદાર નોંધાયા હતા.

(PHOTO-FILE)