Site icon Revoi.in

ગુજરાત: મોબાઈલ સેવાથી વંચિત 317 ગામડાઓને મોબાઈલ સેવા અને ફાઇબરથી આવરી લેવાશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” એકતાનગર ખાતે ટપાલ વિભાગ અને દૂરસંચાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સંચાર મંત્રાલયના પ્રગતિશીલ વિકાસ કાર્યો, ગુજરાતમાં ચાલી રહેલી આગામી વિકાસ પરિયોજનાઓ અને ગુજરાતની જનતાની મંત્રાલય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ અંગે વિગતવાર  સમીક્ષા કરી હતી. રાજ્યમાં મોબાઈલ સેવાથી વંચિત 317 જેટલા ગામોને મોબાઈલ સેવા અને ફાઈબર સુવિધાથી આવરી લેવાની કામગીરી શરૂ કરાઈ છે.

આ પ્રસંગ્રે કેન્દ્રીય સંચાર મંત્રીએ કહ્યું કે, ગુજરાત એક સરહદી રાજ્ય છે. જેથી ગુજરાત દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન વિભાગે ગુજરાતના આવા 60 ગામોની પસંદગી કરી હતી. આ 50 ગામોને આવરી લેવા માટે રૂ. 41 કરોડના ખર્ચે 50 નવા ટાવર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 37 ગામોને આવરી લેવાયા છે. બાકીના 13 ગામોને જૂન – 2022 સુધીમાં મોબાઈલ કવરેજ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંચાર મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે દેશના છ લાખ ગામડાઓમાં મોબાઈલ સેવા અને ફાઈબર ઉપલબ્ધ હોવા જોઈએ. ગુજરાતના તમામ 317 ગામડાઓ જે મોબાઈલ સેવાથી વંચિત છે તેમને પણ આ સુવિધા આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં કુલ 14622 ગ્રામ પંચાયતો છે. આ તમામ ગ્રામ પંચાયતોમાં ફાઈબર પહોંચાડવામાં આવ્યા છે.  રાજ્યના બાકીના 4400 ગામડાઓને ફાઈબર આપવાની પરિયોજના પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે.  રાજ્યમાં પોસ્ટ વિભાગ દ્વારા ઘણા વિકાસ કાર્યો  શરૂ કરવામાં આવ્યા છે.  આ નાણાકીય વર્ષમાં લગભગ રૂ. 1.60 કરોડના ખર્ચે 11 નવી પોસ્ટ ઓફિસ ઈમારતોનું નિર્માણ થઈ રહ્યું છે.  જેનાથી નાગરિકોને વધુ સારી સુવિધા મળશે. આ ઉપરાંત વધુ 17 ઈમારતોના નિર્માણ માટે એક પરિયોજના બનાવવામાં આવી છે.

વડાપ્રધાનના “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ હેઠળ, પોસ્ટ વિભાગે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.75 લાખ “સુકન્યા સમૃદ્ધિ” ખાતા ખોલ્યા છે.  પોસ્ટ વિભાગ “સુકન્યા સમૃદ્ધિ” ખાતાને વધારવા માટે એક નવું અભિયાન શરૂ કરી રહ્યું છે.  જે અંતર્ગત ગુજરાતમાં 31 જુલાઈ 2022 સુધીમાં 1.25 લાખ ખાતા ખોલવામાં આવશે જેથી કુલ ખાતાની સંખ્યા ૧૦ લાખ થશે. પોસ્ટ વિભાગે કોવિડ રોગચાળા દરમિયાન તેની સેવા સતત ચાલુ રાખી અને દરેક વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓ પહોંચાડી છે.

પોસ્ટ વિભાગે તાજેતરમાં ગુજરાતમાં એક અનોખી પહેલ કરી છે.  નાગરિકોને તેમના પાર્સલ રેલવે દ્વારા મોકલવા માટે રેલવે સ્ટેશન પર જવું પડે છે, પરંતુ આ નવી પરિયોજના હેઠળ ટપાલ વિભાગ, નાગરિકોના પાર્સલ લઈને રેલવેમાં પહોંચાડશે તથા ગંતવ્ય સ્થાનેથી રેલવેથી લઈને ગ્રાહકોના ઘર તથા ઑફિસ સુધી પહોંચાડશે. તેનો પાયલોટ પ્રોજેક્ટ 31 માર્ચ, 2022 ના રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતના સુરતથી વારાણસી સુધી કરવામાં આવ્યો હતો, જે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં તેના દ્વારા 62 ટન વજનના પાર્સલ વહન કરવામાં આવ્યા છે.  ટૂંક સમયમાં આ સેવા દેશવ્યાપી સ્તરે શરૂ કરવામાં આવશે. પોસ્ટ વિભાગ દ્વારા વધુ એક નવી પહેલ કરવામાં આવી હતી, જે અંતર્ગત સુરતમાંથી નિકાસ સુવિધા વધારવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર (International  Business  Centre) નો શુભારંભ કર્યો હતો. જે સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 8846 આર્ટિકલ મોકલવામાં આવ્યા છે.

સંચાર મંત્રાલય ટૂંક સમયમાં પોસ્ટ વિભાગના 2.5 લાખ ગ્રામીણ ડાક સેવકો માટે “મિશન કર્મયોગી” યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત તેમને ટ્રેનિંગ આપવામાં આવશે.  તેનો મુખ્ય ઉદ્દેશ્ય, ટપાલ કર્મી માત્ર તેમના કામમાં જ કાર્યક્ષમ ન બને પરંતુ આપણા ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સેવા ભાવના સાથે સેવાઓ પૂરી પાડશે.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, BSNL અને MTNLમાં ઘણી નવી પરિયોજનાઓ શરૂ કરવામાં આવી રહી  છે. જે અંતર્ગત, ટૂંક સમયમાં BSNL અને MTNL આત્મનિર્ભર ભારતની પરિયોજના હેઠળ સ્વદેશી બનાવટના 4-G મોબાઇલ ઉપકરણોને ઇન્સ્ટોલ કરશે અને મોબાઇલ સેવા પ્રદાન કરશે. આ વર્ષના અંત સુધીમાં, બંને PSU તેમની 4G સેવા શરૂ કરશે. ભારત સરકારે બંનેના પુનરુત્થાન માટે મોટું પેકેજ આપ્યું હતું જેના કારણે બંને PSUની નાણાકીય સ્થિતિમાં ઘણો સુધારો થયો છે, અને ઘણા વર્ષો પછી BSNL અને MTNL ઓપરેટિંગ પ્રોફિટમાં આવ્યા છે. ચીફ જનરલ મેનેજર, BSNL, ગુજરાત સર્કલ ગુજરાતમાં પણ BSNL સેવાને વધુ સારી બનાવવા માટે તેમની નવી પરિયોજનાઓ અમલમાં મૂકશે.