અમદાવાદઃ દેશમાં નોટ્સબંધી બાદ કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો થયા હતા. તત્કાલિન સમયે જ્વેલર્સ દ્વારા નોટોની હેરાફેરી થઈ હતી. ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જ્વેલર્સને નોટિસ પાઠવીને ખૂલાશો પૂછવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે કાનુની કાર્યવાહીમાં સપડાયો હતો. અને તેનો નિવેડો આવી જતાં હવે 6 વર્ષ બાદ ઈન્કમ ટેક્સ વિભાગે ગુજરાતના 42000 જ્વેલર્સને નોટિસ પાઠવીને ખૂલાશો પૂછવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નોટબંધી વખતના જવેલર્સોના મોટા નાણાંકીય વ્યવહારોની તપાસનો માર્ગ મોકળો થઈ જવા સાથે જ ઈન્કમટેકસ વિભાગ દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે અને ગુજરાતના 42000 જેટલા ઝવેરીઓને નોટીસો પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. દેશમાં 2016માં 500 તથા 1000ના દરની નોટો રદ કરીને નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે જવેલર્સોના જંગી નાણાંકીય વ્યવહારો માલુમ પડયા હતા. ઈન્કમટેકસ દ્વારા સેંકડો નોટિસો ઈસ્યુ કરવામાં આવી હતી ત્યારે જવેલર્સોએ કાનૂની પડકાર ફેંકતા કાર્યવાહી અવરોધાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે ઝવેરીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો તે સામે આવકવેરા તંત્ર સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યુ હતું. સુપ્રીમ કોર્ટે આવકવેરા વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યાને પગલે જુની નોટીસોની પ્રક્રિયા ફરી તેજ બનાવવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતુ કે, ગુજરાતભરમાં 42000 જવેલર્સોને આવકવેરા વિભાગ દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે તેમાં અમદાવાદના જ 4500 ઝવેરીઓ છે. રાજકોટમાં પણ 500 થી વધુને નોટીસ આપવામાં આવ્યાનું કહેવાય છે. હવે નોટીસના જવાબો ન આપનારા પાસેથી ટેકસ થતા પેનલ્ટી વસુલવા સહિતની કાર્યવાહી થવાની ચર્ચા છે.