Site icon Revoi.in

ગુજરાતઃ 9.61 લાખ સરકારી અધિકારી, કર્મચારી અને પેન્શનરોને 5 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાશે

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1 જુલાઈ 2019 થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. 1લી જુલાઈ 2019થી 31મી ડિસેમ્બર 2019 સુધી એમ કુલ- 6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અધિકારી, કર્મચારીઓ, પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર- 2019 સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ- 464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ- 5.11 લાખ જેટલા કર્મચારીઓ તથા 4.51 લાખ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.