Site icon Revoi.in

ગુજરાતઃ 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાની કરી ફાળવણી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ 63 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે.

મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ સ્થાનિક શહેરી સત્તા તંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તેવા સલામતિ-સુરક્ષાના અભિગમથી આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે. નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરીયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની(જી.યુ.ડી.સી.) કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નગરપાલિકાઓમાં 18 મીની ફાયર ટેન્ડર, 21 વોટર બાઉસર, 29 વોટર કમ ફોમ ટેન્ડર અને ૨ ઈલેકટ્રીક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે 71 વાહનો ખરીદી માટે કુલ રૂ. 63.02 કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. રાજ્ય સરકારે 2020થી 2024ના વર્ષ દરમ્યાન નગરપાલિકાઓને 85 વાહનો ફાળવેલા છે તથા અન્ય 19 વાહનો ફાળવણીની પ્રક્રિયામાં છે.
મુખ્યમંત્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સી.એમ. ડેશબોર્ડ સાથે લીંક કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિશમન વાહનો સાધનોની ખરીદી માટે માતબર નાણાં ફાળવણીની આપેલી આ સૈદ્ધાંતિક મંજુરીને પરીણામે નગરોમાં પ્રજાજીવનની જાનમાલ સુરક્ષા-સલામતી વધુ સુદ્રઢ અને સુનિશ્ચિત થશે.