ગુજરાતઃ 30મી જાન્યુઆરીએ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે
અમદાવાદઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરીને રવિવારના રોજ શહીદ દિને સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.
રવિવાર તા. 30મી જાન્યુઆરીએ સવારે 10.59 થી 11.00 કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે 11 વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર 11.02 થી 11.03 કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા કરવામાં આવશે.
(PHOTO-FILE)